દેશની સર્વોચ્ચ અદાલતે સોમવારે કેન્દ્ર સરકારને ઠપકો આપતાં કહ્યું હતું કે, તમે ભલે ‘ડિજિટલ ઇન્ડિયા’ના દાવા કરો છો, પરંતુ પાયાની વાસ્તવિકતાથી વાકેફ નથી. કોરોનારોધક રસી લેવા માટે કોવિન પોર્ટલ પર નોંધણી ફરજિયાત હોવા મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પૂછ્યું હતું કે, શું દેશના ગ્રામીણ ક્ષેત્રના લોકો માટે’ આ એપ પર નોંધણી હકીકતમાં શક્ય છે ?
ન્યાયમૂર્તિ ડી. વાય. ચંદ્રચૂડ, નાગેશ્વર રાવ અને રવીન્દ્ર જાટની ખંડપીઠે સરકારને સવાલ કર્યો હતો કે, આપ દેશના દરેક નાગરિક પાસેથી આવું કરવાની આશા કેમ રાખી શકો ? ભારતમાં ડિજિટલ સાક્ષરતા પૂર્ણથી ઘણી દૂર છે. પાયાની હકીકત સમજીને સરકારે થોડી ઢીલ આપવાની દિશામાં વિચારવું પડશે, તેવું ન્યાયમૂર્તિ ચંદ્રચૂડે જણાવ્યું હતું.
તેમણે સરકારને કહ્યું હતું કે, અમે નીતિ નથી બદલી રહ્યા, પરંતુ કૃપા કરીને જાગો અને જુઓ, દેશભરમાં’ શું થઇ રહ્યું છે. દરમ્યાન રાજ્યો તરફથી રસીની ખરીદી માટે અનેક ગ્લોબલ ટેન્ડર જારી થયાં છે. શું આ સરકારની નીતિ છે, તેવું પણ પૂછાયું હતું. બીજી તરફ સરકારે તો 2021ના અંત સુધી તમામને રસીનો ભરોસો આપ્યો છે, પરંતુ જાણકારો કહે છે કે, માત્ર 30-40 ટકા આબાદીને જ રસી લાગી શકશે.
ડિજિટલ ઇન્ડિયા અદાલતની નજરે
ગ્રામ્ય વિસ્તારોમાં વેકસીન માટેના ફરજિયાત રજિસ્ટ્રેશનની સ્થિતિ શું છે?: કોર્ટ