Friday, December 27, 2024
Homeરાજ્યનિકાવામાં મસાલા બનાવવાની કંપનીમાં વીજશોકથી શ્રમિકનું મોત

નિકાવામાં મસાલા બનાવવાની કંપનીમાં વીજશોકથી શ્રમિકનું મોત

રવિવારે કામ કરતાં સમયે વીજશોક લાગ્યો : ધુડશિયામાં કુવો ગારતા યુવાનને સાપ કરડી જતા મૃત્યુ : જામનગરમાં બેશુધ્ધ થઈ જતાં પ્રૌઢનું મોત

- Advertisement -

કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં આવેલી ખાનગી કંપનીમાં મસાલા બનાવાવના મશીન પાસે કામ કરતા સમયે એકાએક વીજશોક લાગતા શ્રમિક યુવકનું બેશુદ્ધ થઈ જતાં મોત નિપજ્યું હતું. જામનગર તાલુકાના ધુડશિયા ગામમાં કુવા ગારવાનું કામ કરતા સમયે ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત નિપજ્યું હતું. જામનગર શહેરના રણજીત રોડ પરથી પસાર થતા પ્રૌઢ એકાએક ચકકર આવતા બેશુદ્ધ થઈ જતા મોત નિપજ્યું હતું.

આ અંગેની વિગત મુજબ, પ્રથમ બનાવ બિહારના મુજફરપુર જિલ્લાના ઓરાઇ તાલુકાના રામનગરનો વતની અને કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં આવેલી અવધ સ્નેક પ્રા.લિ.નામની કંપનીમાં નિતિશકુમાર નાગેન્દ્રરાય (ઉ.વ.18) નામનો શ્રમિક યુવક રવિવારે સાંજના સમયે તેની ફેકટરીમાં મસાલા બનાવવાના મશીન પાસે કામ કરતો હતો. તે દરમિયાન એકાએક વીજશોક લાગતા બેશુદ્ધ થઈ જવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની નિરવ ઘેટીયા દ્વારા જાણ કરાતા હેકો આર.વી. ગોહિલ તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ, જામનગર તાલુકાના ધુડશિયા ગામમાં કૂવો ગારવાનું કામ કરતા ચંદ્રેશભાઈ રવજીભાઈ ડોબરીયા (ઉ.વ.39) નામના યુવાનને પગમાં ઝેરી સાપ નિકળતા કરડી જતાં બેશુધ્ધ થઈ જવાથી સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ લલિતભાઈ ડોબરિયા દ્વારા કરાતા હેકો એન.વી. ગઢવી તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.

ત્રીજો બનાવ, જામનગર શહેરના રણજીત રોડ પર સ્વામિનારાયણ મંદિર સામેના માર્ગ પરથી પસાર થતા અજાણ્યા પ્રૌઢને શનિવારે સવારના સમયે એકાએક ચકકર આવતા બેશુધ્ધ થઈ જતા સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે બાબુલાલ જાગલાણી દ્વારા જાણ કરાતા પીએસઆઇ એમ.આર.વાળા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular