ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા આ વર્ષે કોરોનાની મહામારીને લઈ નીકળશે કે કેમ એ અંગે હજી સુધી નિર્ણય લેવાયો નથી, પરંતુ ભગવાનના મોસાળ સરસપુર રણછોડરાય મંદિરમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભગવાન નગરચર્યાએ નીકળી મોસાળમાં આવે છે ત્યારે મામા તરફથી ભાણિયાઓને મોસાળું કરવામાં આવે છે, જેમાં ભગવાનને કપડાં, અલંકાર સહિતની વસ્તુઓ ભેટમાં આપવામાં આવે છે. સરસપુર રણછોડરાય મંદિરના ટ્રસ્ટી ઉંમગ પટેલે જણાવ્યું હતું કે આ વર્ષે ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રાને મહારાષ્ટ્રિયન રજવાડી સ્ટાઇલના વાઘા અર્પણ કરવામાં આવશે. મહારાષ્ટ્ર લીલી પાઘડી, જેમાં સ્ટોનવર્ક જરદોશીવર્ક મોતીવર્ક અને મિરરવર્ક કરવામાં આવ્યું છે અને ભગવાનને અલંકાર પણ રજવાડીસ્ટાઇલના અર્પણ કરવામાં આવશે.
ભગવાનના વાઘા માટે સફેદ અને વાદળી કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ભગવાનના કલાત્મક વાઘા માટે ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. રથયાત્રા નીકળશે કે કેમ એની હજી કોઈ ચર્ચા કે જાણકારી નથી, પરંતુ ભગવાનનું મામેરું ધામધૂમથી કરવામાં આવશે. દરવર્ષે જ્યારે ભાણેજ મોસાળમાં પધારે છે ત્યારે તેઓ ખાલી હાથ પાછા ન જાય એની ખાસ તકેદારી મોસાળ પક્ષના રથયાત્રા અનિશ્ચિત લોકો રાખે છે. સરસપુરવાસીઓ ભગવાનનું ધામધૂમપૂર્વક મામેરું કરતા હોય છે અને આ વર્ષે પણ 144મી રથયાત્રા માટે મોસાળ પક્ષમાં ભગવાન જગન્નાથજીને આવકારવા માટે ઉત્સુક બન્યા છે.