ગુજરાતમાં તાઉ તે વાવાઝોડાએ વિનાશ સર્જ્યો છે. જેમાં 45 જેટલા લોકોના મૃત્યુ નીપજ્યા છે તો અનેક પશુ પક્ષીઓ પણ વાવાઝોડાનો ભોગ બન્યા છે. ત્યારે ભાવનગરમાં વાવાઝોડાએ વિનાશ સર્જ્યો છે. ભાવનગર જીલ્લાના મહુવા અને તેની આજુબાજુના વિસ્તારોમાં વિકાસ પામેલા પોલ્ટ્રી ફાર્મ, બોઇલર ફાર્મ ઉદ્યોગને તાઉતે વાવાઝોડાની ગંભીર અસર પહોંચી છે. વાવાઝોડામાં ફૂંકાયેલા વિનાશકારી પવનને કારણે પોલ્ટ્રી ફાર્મનાં પતરાં-શેડ ઊડી જતા અંદાજે 1.5લાખ મરઘાઓના મોત થયા છે.
મહુવા અને તેની આજુબાજુના વિસ્તારો, ગામોમાં 40 પોલ્ટ્રી ફાર્મ અને 15 બોઇલર ફાર્મ આવેલા છે. અહીં સરેરાશ 2 લાખથી વધુ મરઘા હતા. મહુવાના પોલ્ટ્રી ફાર્મના ઉદ્યોગમાં 1.50 લાખથી વધુ મરઘા મરી ગયા છે. એક પોલ્ટ્રી ફાર્મનો લેયર શેડ સરેરાશ 30 લાખનો બને છે, તેવા લગભગ તમામ શેડ ધ્વસ્ત થઇ ચૂક્યા છે. વાવાઝોડાને કારણે શેડ તૂટી પડ્યા અને એની નીચે મરઘા દબાઇ મર્યા. જે મરઘા શેડમાંથી બચ્યા હતા એ ભારે વરસાદના લીધે મરી ગયા છે. મહુવામાં પોલ્ટ્રી ફાર્મ, બોઇલર ઉદ્યોગના 55 જેટલા ઉદ્યોગને પ્રાથમિક અંદાજ મુજબ 50 કરોડનું નુકસાન થયુ છે.