ભારતમાં કોરોના મહામારી વચ્ચે વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે. ત્યારે ઘણા એવા કેસ પણ સામે આવ્યા છે જેઓએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધા બાદ કોવિડથી સંક્રમિત થયા છે. તો આ લોકોએ રસીનો બીજો ડોઝ ક્યારે લેવો તે અંગે આજે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગાઈડલાઈન બહાર પાડી છે. જો કોઈ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધા બાદ સંક્રમિત થાય છે તો તેને કોરોનાથી સાજા થયાના ત્રણ મહિના સુધી બીજો ડોઝ મળશે નહીં. ત્રણ મહિના બાદ તેઓ બીજો ડોઝ લઇ શકશે.
NEGVAC તરફથી કોરોના વેક્સીન લગાડવા માટે આપવામાં આવેલ સલાહ પર સ્વાસ્થ્ય મંત્રાલયે મંજૂરી આપી દીધી છે. NEGVAC તરફથી આપવામાં આવેલી સલાહમાં કહેવામાં આવ્યું હતું કે કોરોનાથી સાજા થયા બાદ દર્દી 3 મહિના પછી વેક્સીન લઇ શકે છે. હવે આ સલાહને સ્વાસ્થ્ય મંત્રાલયે મંજૂરી આપી દીધી છે.
જે લોકોનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે તેઓની રીકવરીના ત્રણ મહિના બાદ વેક્સીન આપવામાં આવશે.
કોરોના સંક્રમિત કે જેઓને પ્લાઝમા આપવામાં આવ્યા છે તેઓને પણ હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થયા બાદના ત્રણ મહિના પછી રસી આપવામાં આવશે.
વેક્સીનનો પ્રથમ ડોઝ લીધા બાદ જેઓ સંક્રમિત થયા છે તેઓને ત્રણ મહિના બાદ વેક્સીન આપવામાં આવશે.
હજુ સુધી દેશમાં ગર્ભવતી મહિલાઓને વેક્સિન આપવા અંગે કહેવામાં આવ્યું નથી. તે અંગે ટૂંક સમયમાં નિર્ણય આવી શકે છે. કોઈ વ્યક્તિ વેક્સિન લગાવ્યા કે કોરોના પીડિત થવા પર RT-PCR નેગેટિવ રિપોર્ટ આવ્યાના 14 દિવસ બાદ રક્તદાન કરી શકે છે.
કેન્દ્ર દ્રારા તમામ રાજ્યોને આ માર્ગદર્શિકાનું પાલન કરવા માટે જણાવવામાં આવ્યું છે.


