જામનગરનું વિજતંત્ર આધુનિક જમાના સાથે કદમ મિલાવી શકયું નથી. આજથી 40 વર્ષ પહેલાં પણ ઝાડની ડાળીને કારણે વિજતંત્રના ફિડરો ટ્રીપ થઇ કામ કરવાનું બંધ કરી દેતાં હતાં.ખિસકોલીની પૂંછડી ટ્રાન્સફોર્મર સહિતની ચીજોને અડી જતાં પણ ફિડર ટ્રીપ થઇ જાય છે અને લોકોએ કલાકો સુધી વિજકાપ સહન કરવો પડે છે !
આ શબ્દો કોઇ વાર્તાનો હિસ્સો નથી. જામનગર વિજતંત્ર દ્વારા બોલાયેલા શબ્દો છે. જામનગરનું વિજ તંત્ર પોતાની નબળાઇઓ ઢાંકવા માટે વૃક્ષની ડાળીઓ અને ખિસકોલીની પૂંછડીઓને જવાબદાર ઠેરવે છે.
‘ખબર ગુજરાત’ દ્વારા જામનગર વિજતંત્રના સીટી-વન વિભાગના ચિફ દોશીનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. તેઓ વાવાઝોડા સંદર્ભે અન્ય કામગીરીમાં રોકાયેલા હોય તેઓના મદદનીશ એવાં ડેપ્યૂટી ઇજનેર મારૂએ જણાવ્યું છે કે, રવિવારે રાત્રે શહેરમાં અંધારપટ્ટ સર્જાયા પછી સીટી-વન વિભાગના તમામ વિસ્તારોમાં રવિવારે મોડી રાત્રે વિજપૂરવઠો ફરીથી શરૂ કરવામાં આવ્યો હતો.તેઓના જણાવ્યા પ્રમાણે સીટી-વન વિભાગના બાવન અર્બન ફિડર પૈકી 30 ફિડર રવિવારે રાત્રે કામ કરતાં બંધ થઇ ગયા હતાં.
અત્રે નોંધનીય છે કે, વિજતંત્ર ઝાડની નડતરરૂપ ડાળીઓ કાપવાની કામગીરી માત્ર બીલો બનાવવા પૂરતી કરે છે. કર્મચારીઓ ઉપરછલ્લી કામગીરી કરી ઘરે જતાં રહે છે. થોડાં સમયમાં ડાળીઓ ફરીથી વિજસાધનો સુધી પહોંચી જાય છે. આ આખી રામાયણ સતત વંચાતી રહે છે. અને વિજતંત્રમાં લાખોના બીલ બનતાં રહે છે અને લાગતા વળગતાઓને ચુકવણાં થતાં રહે છે. બીજી બાજુ વિજતંત્રની બિનઅસરકારક કામગીરીને કારણે શહેરમાં વરસાદના દિવસોમાં તથા સામાન્ય દિવસોમાં વિજતંત્ર વિજકાપ લાદી દે છે અને પ્રમાણિક વિજગ્રાહકોને પરસેવો વળી જાય છે.
જામનગરના સિટી-ટુ વિભાગમાં કુલ 29 ફિડર ટ્રીપ થઇ ગયાં હતાં. ત્યારપછી રવિવારની રાત્રીથી સોમવારની બપોર સુધીમાં 29 પૈકી માત્ર 9 ફિડરોમાં વિજપ્રવાહ ચાલુ કરી શકાયો છે. બાકીના 20 ફિડર હેઠળના સંખ્યાબંધ વિસ્તારો હજુ વિજકાપ અનુભવે છે. સમગ્ર જિલ્લાની વાત કરી તો 248 ફિડરોને વરસાદે હેરાન કર્યા હતાં. જે પૈકી આજે સોમવારે બપોરે એક વાગ્યા સુધીમાં માત્ર 69 ફિડરો હેઠળના વિસ્તારોમાં વિજપુરવઠો ફરીથી શરૂ કરાયો છે. આ ઉપરાંત વિજતંત્રના ક્ધટ્રોલરૂમે ‘ખબર ગુજરાત’ સાથેની વાતચિતમાં એમપણ જણાવ્યું છે કે, ગ્રામ્ય વિસ્તારોમાં કુલ 66 ગામોમાં રવિવારે અંધારપટ્ટ છવાઇ ગયો હતો. જે પૈકી 64 ગામોમાં વિજપુરવઠો ફરીથી શરૂ કરવામાં તંત્રને સફળતા મળી છે.
જામનગરનું વિજતંત્ર ભારે નબળું: ઝાડની ડાળીઓ અને ખિસકોલીની પૂંછડીઓ પણ વિજતંત્રને પરેશાન કરે છે !
આ પ્રકારના કારણોથી જામનગરના પ્રમાણિક વિજગ્રાહકોએ વિજકાપની અસહ્ય મુશ્કેલીઓ સહન કરવી પડે છે !