યુનાઇટેડ નર્સિસ ફોરમ દ્વારા નર્સના વિવિધ પડતર પ્રશ્ર્નો અંગે અનેક વખત રજૂઆતો કરવામાં આવવા છતાં પ્રશ્ર્નોનું નિરાકરણ આવતું ન હોય આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ત્યારબાદ જી.જી. હોસ્પિટલમાં ફરજ બજાવતાં નર્સિંગ સ્ટાફ દ્વારા ફરજ દરમિયાન કાળીપટ્ટી ધારણ કરી વિરોધ વ્યક્ત કરાયા બાદ હજૂ સુધી સમસ્યાનું નિરાકરણ ન આવતાં આજરોજ આ કર્મચારીઓએ પોતાના રહેણાંક સ્થળે કાળા કપડા પહેરી વિરોધ દર્શાવ્યો હતો.
જી.જી. હોસ્પિટલમાં ફરજ બજાવતાં નર્સિંગ સ્ટાફ દ્વારા યુનાઇટેડ નર્સિસ ફોરમના નેજા હેઠળ પડતર પ્રશ્ર્નો અંગે વિરોધ ચાલી રહ્યો છે. જેના ભાગરુપે એસોસિએશનના કાર્યક્રમ મુજબ ફરજ સિવાયના ઓફ ડ્યૂટી નર્સિંગ કર્મચારીઓ દ્વારા કોરોના ગાઇડલાઇનના પાલન સાથે પોતાના રહેણાંક સ્થળે કાળા કપડા પહેરી ગાંધી ચિંધ્યા માર્ગે મૌન શસ્ત્ર સાથે સરકાર સામે વિરોધ દર્શાવ્યો હતો અને તેમના પડતર પ્રશ્ર્નો તેમજ રજૂઆતોના સુખદ નિરાકરણ આવે તેવી માંગણી કરી હતી. તેમ યુનાઇટેડ નર્સિસ ફોરમ જામનગરના સેક્રેટરી ટ્વિન્કલ ગોહિલે જણાવ્યું હતું