ધ્રોલ-રાજકોટ ધોરીમાર્ગ પર શુક્રવારે સવારના સમયે પૂરઝડપે બેફીકરાઈથી આવતી કારના ચાલકે બાઈકને ઠોકર મારી હડફેટે લેતા આ અકસ્માતમાં કારમાં ચાલકની બાજુમાં બેસેલા યુવાનનું શરીરે અને માથામાં ગંભીર ઈઝા પહોંચતા મોત નિપજ્યું હતું તેમજ કારચાલક અને બાઈકસવારને ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
ગમખ્વાર અકસ્માતની વ્ગિત મુજબ ધ્રોલ-રાજકોટ ધોરીમાર્ગ પર શુક્રવારે સવારના સમયે સ્વામિનારાયણ સોસાયટી નજીકના માર્ગ પરથી પૂરઝડપે બેફીકરાઈથી આવતી જીજે-03-એલએમ-9829 નંબરની સ્વીફટ કારના ચાલકે આગળ જતાં જીજે-10-બીએચ-2472 નંબરના બાઈકસવારને પાછળથી ઠોકર મારી હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારચાલકને માથામાં તથા શરીરે ઈજાઓ પહોંચી હતી. જ્યારે બાઈકસવાર વલ્લભભાઈ ગોરધનભાઈ છત્રાલા નામના પ્રૌઢને પગમાં તેમજ માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી. જ્યારે કારમાં ચાલકની બાજુની સીટ પર બેઠેલા સંજયભાઈ દિલીપભાઈ નામના યુવાનને માથામાં અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સંજયભાઈ દિલીપભાઈ નામના યુવાનનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
તેમજ અકસ્માતમાં ઘવાયેલા કારચાલક અને બાઈકસવાર પ્રૌઢને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ અંગેની ઈજાગ્રસ્ત બાઈકસવારના ભાઈ ધિરજલાલ દ્વારા જાણ કરાતા પીએસઆઈ એમ.એન. જાડેજા તથા સ્ટાફે ઘટનાસ્થળે અને હોસ્પિટલે દોડી ગયો હતો. તેમજ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ધ્રોલમાં કારે બાઈકને ઠોકરે ચડાવતા કારમાં બેસેલા યુવાનનું મોત
શુક્રવારે સવારના સમયે અકસ્માત: કારચાલક અને બાઈકસવારને ગંભીર ઈઝા : પોલીસ દ્વારા કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી