ભારત અત્યારે કોરોના વાયરસની ઘાતક બીજી લહેરમાંથી પસાર થઇ રહ્યું છે. ભારતમાં કોરોનાની બીજી લહેરે કાળો કહેર મચાવ્યો છે. ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરના ફેલાવા માટે રાજકિય મેળાવડા અને ધાર્મિક મેળાવડાને જવાબદાર ગણવામાં આવી રહ્યા છે. થોડા દિવસો પહેલા પ્રસિદ્ધ લાન્સેટ જર્નલે પણ આ વાત કહી હતી. ત્યારે હવે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ પણ ભારતમાં બીજી લહેર માટે ધાર્મિક મેળાવડાઓ, રાજકીય રેલીઓ અને લોકોની બેદરકારીને જવાબદાર ઠેરવી છે.
આ સાથે WHOએ જણાવ્યું છે કે ભારતમાં કોરોના વિસ્ફોટ પાછળ મહત્વનું એક કારણ કોરોના વાઈરસનો નવો વેરિએન્ટ છે, જે વધુ ચેપી અને જીવલેણ છે. ઉપરાંત રસીકરણની ધીમી ગતિ પણ જવાબદાર છે. WHOના ટોચના વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને ચેતવણી આપી છે કે ભારતમાં આજે કોરોના મહામારીની સ્થિતિ કોરોના વેરિએન્ટ ઘણી ઝડપથી ફેલાઈ રહ્યો હોવાના સંકેત આપે છે. કોરોના વિસ્ફોટથી બચવાનો એકમાત્ર ઉપાય રસીકરણ અભિયાનને ઝડપી બનાવવું છે.
ભારતીય શીશુ રોગ નિષ્ણાત અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ટોચના વૈજ્ઞાનિક ડો. સ્વામીનાથને કહ્યું કે કોરોનાનો નવો વેરિએન્ટ બી.1.617 ભારતમાં ઓક્ટોબરમાં શોધાયો હતો. તે કોરોના વિસ્ફોટનું સૌથી મોટું કારણ છે. આ નવો વેરિઅન્ટ દેશમાં દરરોજ લાખો લોકોને તેનો શિકાર બનાવી રહ્યો છે અને તે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. ભારતમાં મળેલો આ નવો વેરિઅન્ટ ઘણો જ ખતરનાક છે, જે શરીરમાં એન્ટીબોડી બનાવવામાં પણ અવરોધો સર્જે છે અને જૂના વેરિએન્ટની સરખામણીમાં ઘણી ઝડપથી મ્યુટેટ કરે છે. કોરોનાના પ્રસાર માટે લોકોની બેદરકારી પણ જવાબદાર છે.