દેશમાં જારી કોરોના સંકટે પહેલાથી ચાલી આવી રહેલા રોજગારીના સંકટને વધુ ઘેરૂ બનાવ્યુ છે. મળતા અહેવાલો મુજબ માત્ર એપ્રિલ મહિનામાં જ 34 લાખ પગારદારોએ નોકરી ગુમાવવાનો વખત આવ્યો છે. કોરોનાથી બચવા માટે લગાવવામાં આવેલ લોકડાઉનને કારણે નાના વેપારીઓને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
સેન્ટર ફોર મોનીટરીંગ ઈકોનોમી એટલે કે સીએમઆઈઈના જણાવ્યા પ્રમાણે એપ્રિલમાં કુલ 73.5 લાખ નોકરીઓ ગઈ છે. બેરોજગારીનો દર માર્ચમાં 6.5 ટકાથી વધીને એપ્રિલમાં 7.97 ટકા સુધી પહોંચી ગયો છે. સીએમઆઈઈના વડા મહેશ વ્યાસે જણાવ્યુ છે કે લોકડાઉન અને આર્થિક મંદીએ ગ્રામીણ વિસ્તારોમાં નાના ઉદ્યોગોને તબાહ કરી દીધા છે. વ્યાસે કહ્યુ છે કે ગયા વર્ષે કોરોનાના કારણે અર્થતંત્રને એક મોટો આંચકો લાગ્યો હતો. સ્થિતિ થોડી સુધરે તે પહેલા જ કોરોનાની બીજી લહેરે મરણતોલ ફટકો માર્યો છે.
ટેલીગ્રાફના અહેવાલ અનુસાર જો અર્થતંત્ર ઝડપથી અને મજબુતાઈથી વાપસી કરે તો નાના ઉદ્યોગોમાં તેજી આવી શકે છે. પરંતુ અત્યારની સ્થિતિમાં આવી આશા રાખવી મુશ્કેલ છે. રીપોર્ટ અનુસાર ડીસેમ્બર 2020ના અંતમાં ભારતમાં સંગઠીત અને અસંગઠીત બન્ને ક્ષેત્રોને મળીને 38.877 કરોડ લોકો કાર્યરત હતા.
જાન્યુઆરીના અંત સુધીમાં આ સંખ્યા વધીને 40.07 કરોડ થઈ ગઈ છે, પરંતુ ફેબ્રુઆરી સુધીમાં 39.821 કરોડ, માર્ચ સુધીમાં 39.814 કરોડ અને એપ્રિલના અંત સુધીમા 39.079 કરોડ રહી ગઈ છે. કેટલાક 28.4 લાખ પગારદાર રોજગાર ગ્રામીણ ક્ષેત્રમાં ગયા હતા અને શહેરોમાં 5.6 લાખ. માર્ચમાં પગારદાર કર્મચારીઓની સંખ્યા 4.6 કરોડથી ઘટીને એપ્રિલમાં 4.544 કરોડ રહી ગઈ છે. વ્યાસે કહ્યુ છે કે સરકારે નોકરીના નુકશાનની સમસ્યાને હલ કરવા માટે પ્રયાસ કરવા જોઈએ. સાથોસાથ તેમણે કહ્યુ હતુ રોજગાર જવા પાછળના કારણોને સમજ્યા બાદ જ સુધારાત્મક કાર્યવાહી શરૂ થઈ શકે છે. સ્ટેટ ઓફ વર્કીંગ ઈન્ડીયાના રીપોર્ટમાં જણાવ્યુ છે કે કોરોના સંકટે 23 કરોડ ભારતીયોને ગરીબ બનાવી દીધા છે. ગયા વર્ષે એપ્રિલ-મેમાં દેશભરમાં લગભગ 10 કરોડ લોકો બેરોજગાર બન્યા છે. આમાથી મોટાભાગના જૂનમાં કામે પાછા આવી ગયા હતા પરંતુ ગયા વર્ષના અંત સુધીમા લગભગ 1.5 કરોડ લોકો બેરોજગાર રહી ગયા હતા.
કોરોનાને કાબુમાં લેવા અનેક રાજ્યોમાં લોકડાઉન અને કર્ફયુ અમલી છે, જેનાથી દેશના 8 કરોડ વેપારીઓને એપ્રિલ મહિનામાં જ 6.25 લાખ કરોડ રૂપિયાનું નુકશાન થયુ છે: વેપારીઓના મુખ્ય સંગઠન સીએઆઈટીએ કહ્યુ છે કે સરકારને પણ 75000 કરોડ રૂપિયાનું નુકશાન થયુ છે, જ્યારે વેપારીઓને 6.25 લાખ કરોડ રૂપિયાનું નુકશાન થયુ છે, જેમાં રીટેલ વેપારને રૂ. 4.25 લાખ કરોડ રૂપિયાનું નુકશાન થયુ છે, જ્યારે હોલસેલ વેપારીઓને લગભગ 2 લાખ કરોડ રૂપિયાનું નુકશાન થયુ છે. આ સંસ્થાનુ કહેવુ છે કે લોકડાઉનને કારણે નાના વેપારીઓની માસિક કમાણીમાં 40 ટકાનો ઘટાડો નોંધાયો છે.
કાળમુખો કોરોના એપ્રિલમાં 73.5 લાખ નોકરી ભરખી ગયો
સેન્ટર ફોર મોનીટરીંગ ઈકોનોમીના રિપોર્ટ અનુસાર એપ્રિલમાં બેરોજગારીનો દર 6.5 ટકાથી વધીને 7.97 ટકા સુધી પહોંચી ગયો