ભારતમાં ઝડપથી વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે અમેરિકાના ટોચના સ્વાસ્થ્ય નિષ્ણાત ડો. એન્થની ફાઉચીએ ભારતમાં કોરોનાના વર્તમાન સંકટમાંથી બહાર આવવા તમામ લોકોનું વેક્સિનેશન થાય એ એકમાત્ર દીર્ઘકાલીન સમાધાન છે તેમ કહ્યું હતું. ફાઉચીએ આ મહામારીનો સામનો કરવા માટે ઘરેલુ અને ગ્લોબલ સ્તરે કોરોના વેક્સિનનું ઉત્પાદન વધારવા પર જોર આપ્યું હતું.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનના પ્રમુખ ચિકિત્સા સલાહકાર ફાઉચીએ એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું કે, આ મહામારીને સંપૂર્ણપણે ખતમ કરવા માટે લોકોનું વેક્સિનેશન કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. ભારત વિશ્વનો સૌથી મોટો વેક્સિન ઉત્પાદક દેશ છે. તેને દેશમાંથી જ નહીં, બહારથી પણ પોતાના સંસાધન મળી રહ્યા છે. ફાઉચીએ જણાવ્યું કે, આ કારણે જ અન્ય દેશોએ ભારતને તેમના ત્યાં વેક્સિન ઉત્પાદન માટે સહાય કરવી જોઈએ. બીજી એક પદ્ધતિ એ છે કે, મોટી કંપનીઓ પાસે વેક્સિન બનાવવાની ક્ષમતા છે જે વાસ્તવમાં એક શાનદાર રીતે મોટા પાયે સેંકડો લાખો ડોઝ પ્રાપ્ત કરવા સક્ષમ છે.
વધુમાં એક સવાલના જવાબમાં જણાવ્યું કે, જે રીતે ચીને આશરે એક વર્ષ પહેલા કર્યું હતું એ જ રીતે ભારતે તાત્કાલિક કામચલાઉ હોસ્પિટલ બનાવવાની જરૂર છે. હોસ્પિટલમાં બેડ ન હોય તો તમે લોકોને રસ્તાઓ પર ન છોડી શકો. ઓક્સિજનને લઈ સ્થિતિ ખૂબ નાજુક છે. લોકોને ઓક્સિજન ન મળી શકે તે હકીકતમાં દુખદ છે. તેમણે કોરોનાના પ્રસારને રોકવા દેશવ્યાપી લોકડાઉનની જરૂરિયાતની વાત પણ કરી હતી. તેમના મતે સંક્રમણની ચેઈન તોડવાની સૌથી વધારે જરૂર છે અને તે માટે લોકડાઉન એકમાત્ર ઉપાય છે.