આસામ વિધાનસભાની ચૂંટણીમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય સાથે સત્તામાં વાપસી કરી છે. જો કે ભાજપના વિજય છતાં હજુ પણ આસામમાં નેતૃત્વને લઈને સસ્પેન્સ ચાલી રહ્યું છે. મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલના નેતૃત્વમાં ભાજપને વિજય મળ્યો છે તો હિમંત બિસ્વ સરમા પણ મુખ્યમંત્રી પદની રેસમાં આગળ ચાલી રહ્યા છે.
આસામના આગામી મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈ શનિવારે રાજધાની દિલ્હીમાં ગરમાગરમી ચાલી હતી ત્યારે આ બધા વચ્ચે ભાજપે રવિવારે સવારે 11:00 કલાકે દિસપુર ખાતે પાર્ટીના ધારાસભ્યોની બેઠક બોલાવી છે. આ બેઠકમાં રાજ્યના આગામી મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી દેવામાં આવશે તેવું માનવામાં આવે છે. એક અહેવાલ પ્રમાણે આસામના આગામી મુખ્યમંત્રી પદની રેસમાં હિમંત બિસ્વ સરમાનું નામ સૌથી આગળ છે.
આસામમાં ભાજપ રવિવારે સાંજે 4:00 કલાકે રાજ્યપાલ જગદીશ મુખીની મુલાકાત લેશે અને આસામમાં ફરી એક વખત સરકાર રચવાનો દાવો રજૂ કરશે. એક અહેવાલ પ્રમાણે ભાજપના ધારાસભ્ય દળની બેઠકમાં હિમંત બિસ્વ સરમાને ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટી લેવામાં આવશે. ત્યાર બાદ હિમંત રાજ્યપાલને મળીને સરકાર રચવાનો દાવો રજૂ કરશે.