કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણ વચ્ચે લોકો અનેક પ્રકારના નુસ્ખાઓ અપનાવી રહ્યા છે. પરંતુ તે ક્યારેક જોખમી પણ સાબિત થઇ શકે છે. એવો જ એક કિસ્સો રાજકોટમાં બન્યો છે જેમાં હોસ્પિટલમાં દાખલ ત્રણ દર્દીઓ મિથિલિન બ્લૂની આખી બોટલ પી ગયા અને અત્યારે તેમની હાલત ગંભીર છે.
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કોવિડના દર્દીઓ માટે પ્રિ ટ્રાએજ એરિયા બનાવવામાં આવ્યો છે, જ્યાં કોરોનાના દર્દીઓ પ્રાથમિક સારવાર લઇ રહ્યા છે. ત્યાં કોઈ અજાણ્યો શખ્સ આવીને દર્દીઓને મિથિલીન બ્લુની બોટલો આપી ગયો હતો અને દર્દીઓને એમ લાગ્યું કે હોસ્પિટલ સ્ટાફ આ બોટલો આપી ગયો છે. તેમ સમજીને ત્રણ આખી બોટલ ગટગટાવી ગયા હતા. તબીબોને આ અંગે જાણ થતાં ત્રણે દર્દીઓની સારવાર હાથ ધરી હતી અને હાલ ત્રણેય દર્દીઓની હાલત ગંભીર છે. મિથિલિન બ્લૂનો ઉપયોગ ડોક્ટરની સલાહ વગર ન કરવો જોઈએ. કારણકે તેનો વધુ પડતો ઉપયોગ ઘાતક પણ સાબિત થઇ શકે છે.
રાજકોટની હોસ્પિટલમાં કોઈ અજાણી વ્યક્તિ દર્દીઓના બેડ સુધી મિથિલિન બ્લૂની બોટલો પહોચાડી ગયો અને કોઈએ તેને રોક્યો નહી તે પણ પ્રશ્ન છે. હાલ ઘણા લોકો સેવાના નામે મિથિલિન બ્લૂ આપી રહ્યા છે. પરંતુ ડોક્ટરની સલાહથી લેવી હિતાવહ છે.