કોરોના મહામારીમાં દેશની મદદ કરવા માટે સૌ કોઈ આગળ આવ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ અનેક ધાર્મિક સંસ્થાનો દ્રારા કોરોનાના દર્દીઓને સારવાર મળી રહે તે માટે વિવિધ પ્રકારની મદદ કરવામાં આવી રહી છે. ઓક્સિજનનો પૂરવઠો હોસ્પિટલોમાં મળી રહે તે હેતુથી ઉમદા કામગીરી કરી ઓક્સિજનની અછતને ટાળવા માટે ઠેર ઠેર ઓક્સિઝન પ્લાન્ટ સહિત ઓક્સિજનના બોટલો રિફીલિંગ કરવાના સતત પ્રયાસો કરી ઓક્સિજનના બોટલો ડોનેટ કરવામાં આવી રહ્યા છે. તેવા સંજોગોમાં હાલોલ પંથક ખાતે પણ ઓક્સિજનની અછતને પહોંચી વળવા માટે સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે સ્થિત કાલીકા મંદિર ટ્રસ્ટ દ્વારા 50 લાખના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
શક્તિપીઠ પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્રારા 50લાખના ખર્ચે ઓક્સિજનનો પીએસએ પ્લાન્ટ દાન કરવાની જાહેરાત કરવામાં આવી છે. હાલોલના તાજપુરા કોવીડ હોસ્પિટલમાં આ પ્લાન્ટ આપવામાં આવશે. કાલિકા ટ્રસ્ટ દ્વારા બનાવી આપવામાં આવનાર આ ઓક્સિજન પ્લાન્ટમાં રોજનો 100 બોટલ ઓક્સિજન તૈયાર થશે. આ પ્લાન્ટનું સિવિલ કામ શરૂ કરીને મશીનરી માટેનો ઓર્ડર આપી દેવાયો છે. 15થી20 દિવસમાં ઓક્સિજન પ્લાન્ટ શરુ થઇ જશે.
અંતે ઉલ્લેખનીય છે કે યાત્રાધામ પાવાગઢ મંદિર કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને આગામી 25 મે સુધી બંધ રાખવાનો નિણર્ય કરવામાં આવ્યો છે. ભક્તો ઓનલાઈન દર્શન શકશે. ગત ચૈત્રી માસથી યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના નિજ મંદિરના દ્વાર ભક્તજનો માટે બંધ કરી ભક્તજનોને ઘરે રહીને માતાજીની પુંજા અર્ચના કરવા મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો.