ગુજરાત હાઇકોર્ટે કોરોના સ્થિતિ ધ્યાને રાખી લીધેલી સુઓમોટો અરજી પર આજે સુનાવણી કરવામાં આવી હતી. જેમાં ગુજરાત હાઇકોર્ટે એડવોકેટ એસોસિયેશન પાસે માંગેલા સૂચનો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સુઓમોટો અરજીમાં ભરુચની હોસ્પિટલમાં આગની દુર્ઘટના અંગે રજૂઆત કરી હતી. જેમાં હોસ્પિટલ પાસે ફાયર એનઓસી નહોતું તેની પણ જાણ કરવામાં આવી હતી. માટે આવા બનાવના રોકવા માટે હવે સરકારે ગંભીરતાથી જોવું જોઈએ તેમ કહ્યું હતું. આ મુદ્દા પર હાઈકોર્ટે કહ્યું હતું કે, આ દુ:ખદ ઘટના છે, આ ફાયર એનઓસી મામલે આવતા અઠવાડિયે વધુ એક સુનાવણી કરીશું.
ગુજરાત હાઈકોર્ટમાં ગુજરાતની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં માળખાકીય સુવિધાઓનો અભાવ હોવાની એડવોકેટ એસોસિયેશને રજૂઆત કરી છે. સાથે જ કહ્યું કે, રાજ્યના અનેક વિસ્તારોમાં સરકારની ગાઈડલાઈનનું અમલીકરણ નથી થતું. ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્યલક્ષી માળખાની સુવિધાઓનો અભાવ અને આરટીપીસીઆર ટેસ્ટિંગના માળખાનો રાજ્યમાં અભાવ હોવાની રજૂઆત થઇ છે.
એડવોકેટ એસોસિયેશને જણાવ્યું કે કોરોનામાં રાજ્યમાં તાલુકા કક્ષાએ ખરાબ પરિસ્થિતિ છે. સાયલામાં ઓક્સિજન અને આઇસીયું સાથેની હોસ્પિટલ નથી. બીજી બાજુ રાજ્યમાં આરટીપીસીઆર રિપોર્ટ માટે 3થી 4 દિવસ રાહ જોવી પડે છે. કલેકટરે સરકારી કર્મચારીઓને પ્રથમ સારવાર આપવાનો તઘલખી નિર્ણય કરેલો છે.
હાઇકોર્ટે એડવોકેટ એસો વતી શાલીન મહેતાએ કોર્ટમાં રજૂઆત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે રાજ્યમાં ઓક્સિજનની હાલના તબક્કે અછત જોવા મળી રહી છે. 1190 મેટ્રીક ટનની સામે કેન્દ્ર 975 મેટ્રીક ટન ઓક્સિજનનો જથ્થો આપે છે. ધન્વંતરી હોસ્પિટલમાં માળખાનો અભાવ જોવા મળી રહ્યો છે. હોસ્પિટલોમાં દર્દીઓ આવે છે પરંતુ તેમની સંભાળ રાખનાર કોઈ નથી.