પશ્ચિમ બંગાળના પરિણામો બાદ બીજેપીની ઊંઘ ઉત્તર પ્રદેશ પંચાયત ચૂંટણીના પરિણામોએ ઊડાવી દીધી છે. આ ચૂંટણીમાં બીજેપીને મોટો ઝાટકો લાગ્યો છે. અયોધ્યાથી લઇને મથુરા અને કાશી સહિત પ્રદેશ ભરમાં સપાએ બીજેપીને જોરદાર રીતે હરાવ્યું છે. યૂપીના આ ત્રણ જિલ્લા યોગી આદિત્યનાથ સરકારના એજન્ડામાં સામેલ રહ્યા છે અને છેલ્લા 4 વર્ષોમાં આ જિલ્લા પર સરકાર ઘણી મહેરબાન રહી છે. તેમ છતા અયોધ્યા-મથુરા-કાશીમાં મળેલી હાર એક મોટો રાજકીય સંદેશ આપી રહી છે.
રામની નગરી અયોધ્યામાં બીજેપીને હારનો સામનો કરવો પડી રહ્યો છે. અયોધ્યા જનપદમાં કુલ જિલ્લા પંચાયતની 40 સીટો છે, જેમાંથી 24 સીટો પર સમાજવાદી પાર્ટીએ પોતાનો પરચમ લહેરાવ્યો છે. અહીં બીજેપીને ફક્ત 6 સીટો મળી છે. આ ઉપરાંત 12 સીટો પર અપક્ષે જીત મેળવી છે. બીજેપીનું કહેવું છે કે અહીં બળવાખોરોના કારણે હારનો સામનો કરવો પડ્યો છે, કેમકે 13 સીટો પર પાર્ટીના નેતાઓને ટિકિટ ના મળવાના કારણે અપક્ષ ચૂંટણીમાં ઉતર્યા હતા. જો કે અયોધ્યાની રાજનીતિને લઇને બીજેપી કંઇ પણ દાવો કરતી રહી હોય, પરંતુ અહીં સપાનો મોટો જનાધાર છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં પણ ભાજપની હાલત ચિંતાજનક છે. એમએલસી ચૂંટણી બાદ ભાજપને જિલ્લા પંચાયત ચૂંટણીમાં પણ કાશીમાં હાર મળી છે. જિલ્લા પંચાયતની 40 સીટો માંથી બીજેપીના ખાતામાં ફક્ત 8 સીટો આવી છે. તો સમાજવાદી પાર્ટીએ અહીં 14 સીટો પર કબજો કર્યો છે. બસપાની વાત કરીએ તો તેણે અહીં 5 સીટો પર જીત મેળવી છે. જો કે બનારસમાં અપના દળને 3 સીટો મળી છે. આમ આદમી પાર્ટી અને ઓમપ્રકાશ રાજભરની સુહેલદેવ ભારતીય પાર્ટીને પણ 1-1 સીટ મળી છે. આ ઉપરાંત 3 અપક્ષ ઉમેદવારોને જીત મળી છે. 2015માં પણ કાશીમાં બીજેપીએ હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ યોગી સરકારના બન્યા બાદ બીજેપીએ જિલ્લા પંચાયતની ખુરશી સપા પાસેથી છીનવી લીધી હતી.


