માઈક્રોસોફ્ટના કો ફાઉન્ડર અને દુનિયાના અમીર વ્યક્તિ એવા બિલ ગેટ્સ અને તેની પત્ની મલિંડા ગેટ્સે પોતાના લગ્નજીવનના 27વર્ષ બાદ છુટાછેડા લેવાનો નિર્ણય લીધો છે. બિલ ગેટ્સે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.છૂટાછેડાની જાહેરાત કરતા બંનેએ કહ્યું હતું, ‘ખૂબ વિચાર કર્યા પછી અને અમારા સંબંધો પર ખૂબ કામ કર્યા પછી અમે નિર્ણય કર્યો છે કે અમારા લગ્નજીવનનો અંત લાવીએ.’
બિલ ગેટ્સે ટ્વીટ મારફતે કહ્યું છે કે “ઘણી વાતચીત અને ઘણું વિચાર્યા પછી અમે અમારા લગ્ન જીવનને સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લા 27 વર્ષોથી અમે અમારા ત્રણ બાળકોનો સારી રીતે ઉછેર કર્યો છે. અમે એક સંસ્થા પણબનાવી છે જે વિશ્વભરના લોકોના સ્વાસ્થ્ય અને સારા જીવન માટે કામ કરે છે. અમે આ જ મિશન સાથે એક સરખા વિચારો રાખીશું અને સાથે કામ કરીશું. હવે અમને એવું લાગે છે કે આવનાર સમયમાં અમે પતિ-પત્ની તરીકે સાથે નહી રહી શકીએ. અમે નવું જીવન શરુ કરવા જઈ રહ્યા છીએ. તેવામાં અમારા પરિવારને એક સ્પેસ અને પ્રાઈવસીની અપેક્ષા છે.
ફોર્બ્સની યાદી અનુસાર માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ દુનિયાના ચોથા સૌથી અમીર વ્યક્તિ છે. બિલ ગેટ્સે માઈક્રોસોફ્ટના સહસ્થાપક તરીકે 1970થી શરૂઆત કરી હતી. 1987માં મેલિન્ડા માઈક્રોસોફ્ટમાં પ્રોડક્ટ મેનેજર તરીકે જોડાયા હતા. એ જ વર્ષે બિલ ગેટ્સ સાથે તેઓ એકવાર બિઝનેસ ડિનરમાં જોડાયા હતા. ત્યારબાદ બંનેએ ડેટિંગ શરૂ કર્યુ હતું. એક સમયે બિલ ગેટ્સે પોતાના આ ડેટિંગ વિશે વાત કરતા કહ્યું હતું, ‘એ સમયે અમે એકબીજાની ખૂબ દરકાર કરતા હતા. અમારી સામે બે જ વિકલ્પ હતા, કાં તો અમે બ્રેક અપ કરીએ અને કાં તો અમે લગ્ન કરી લઈએ.બાદમાં 1993માં બન્નેએ સગાઇ કરી હતી અને 1994માં લગ્ન કર્યા હતા.


