ગુજરાતમાં ખતરનાક કોરોના વાયરસનો કહેર સતત વધી રહો છે. ત્યારે ગુજરાત સરકારે રાજ્યનાં ખેડુતોને રાહત આપતો એક મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યનાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ખેડૂતોને પાકધિરાણની રકમ ચૂકવવાની મુદ્ત 30 જૂન સુધી લંબાવવાની ઘોષણા કરી છે.
આ સાથે ખેડૂતો માટેના રાજ્ય સરકારના 4 ટકા તેમજ ભારત સરકારના 3 ટકા મળી કુલ 7 ટકા વ્યાજ રાહતની રકમ ગુજરાત સરકાર ચૂકવશે તેવો નિર્ણય કરાયો છે.રાજ્ય સરકાર ખેડૂતો પરના વ્યાજ રાહત નો વધારાનો કુલ 16.30 કરોડ નો ખર્ચ ભોગવશે. ભારત સરકારના 3 ટકા મળી કુલ 7 ટકા વ્યાજ રાહતની રકમ ગુજરાત સરકાર ચૂકવશે.
આ અંગે વધુ માહિતી આપતા સૂત્રોએ જણાવ્યું કે ખેડૂતે જે તારીખે કૃષિ ધિરાણ લીધું હોય તે એક વર્ષ પછીની એ જ તારીખે અથવા જે કોઈ કટ ઓફ ડેટ નક્કી થઈ હોય તે તારીખે, બંનેમાંથી જે વહેલી તારીખ હોય તે તારીખે ધિરાણ પરત કરવાનું રહેશે, પરંતુ હવે રાજ્ય સરકારે 30મી જૂન સુધી ધિરાણ પરત કરવાની ખેડૂતોને રાહત કરી આપી છે, આ કારણે જે વધારાનું વ્યાજ સહકારી બેન્કો કે સંસ્થાઓને ચૂકવવાનું થશે તેનો ખર્ચ હવે રાજ્ય સરકાર ભોગવશે.