જામનગર શહેરમાં કોરોનાની ચિંતાજનક સ્થિતિમાં ધ્યાનમાં રાખી લોકોને વધુ સારી આરોગ્ય સુવિધાઓ મળે તે માટેની વ્યવસ્થાઓ સુનિશ્ર્ચિત કરવા તેમજ સ્થિતિની સમીક્ષા માટે તાકિદે જામ્યુકોની રિકવીઝેશન બોર્ડ બોલાવવા વિપક્ષના નેતા અલ્તાફ ખફીએ માગણી કરી છે.
વિરોધપક્ષના નેતા અલ્તાફ ખફીએ સેક્રેટરીને બીપીએમસી એકટની જોગવાઇ અનુસાર રિકવિઝેશન બોર્ડ બોલાવવાની માંગણી કરતાં પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, જામનગરમાં મોટી સંખ્યામાં લોકો કોરોના પોઝિટીવ આવી રહયા છે. શહેરનો પોઝિટીવિટી દર પણ ખૂબ ઉચો છે.
પોઝિટીવ આવતા દર્દીઓને સારવારને બદલે તંત્ર દ્વારા હોમ કોરોન્ટાઇન કરી દેવામાં આવે છે. પરંતુ આવા વ્યકિતઓ કોરોન્ટાઇન થવાને બદલે છૂટથી શહેરમાં ફરી રહયા હોય કોરોના સંક્રમણમાં ખૂબજ વધારો થઇ રહયો છે. જામ્યુકોના તંત્ર દ્વારા ટેસ્ટિંગ બાદ ટ્રેકિંગ અને ટ્રિટમેન્ટ પર કોઇ જ લક્ષ્ય આપવામાં આવતું ન હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું છે કે, હાલ જામનગરમાં એકપણ હોસ્પિટલમાં જગ્યા નથી લોકોને સારવાર માટે કલાકો હોસ્પિટલ બહાર પડયા રહેવું પડે છે. એમ્બ્યુલન્સની અંદર સારવાર કરવામાં આવે છે.
આવી સ્થિતિમાં જામનગરની હાલત અંગે ગંભીરપણે ચર્ચા-વિચારણા થવી જરૂરી હોય તેમજ લોકોના આરોગ્યની ચિંતા કરવામાં આવે તે માટે તાત્કાલિક રિકવિઝેશન બોર્ડની બેઠક યોજવા કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે.