Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરરેમડેસિવિર ઇન્જેકશન મેળવવા હોસ્પિટલમાં દાખલ થવું, ફરજિયાત શા માટે ?!

રેમડેસિવિર ઇન્જેકશન મેળવવા હોસ્પિટલમાં દાખલ થવું, ફરજિયાત શા માટે ?!

પ્રધાનમંત્રીના અનુરોધ છતાં જામનગરમાં ટેસ્ટીંગ, ટ્રેકિંગ અને ટ્રિટમેન્ટ અંગે તંત્રો ખાસ સક્રિય નથી!

- Advertisement -

છેલ્લાં 15-20 દિવસથી રેમડેસિવિર ઇંજેકશન ચર્ચામાં છે. અછત, કાળાબજાર, ઉત્પાદન અને વિતરણ વધારવા માટેની વ્યવસ્થા તેમજ આ ઇંજેકશનની અગત્યતા વગેરે બાબતો ખૂબ જ ગંભીર રીતે ચર્ચાઇ રહી છે. તબીબીજગત સાથે સંકળાયેલાં લોકો અને કહેવાતા આગેવાનો પણ આ ઇંજેકશનના કૂંડાળાઓમાં કસૂરવાર તરીકે જાહેર થતાં રહે છે. આ પરિસ્થિતિમાં આ ઇંજેકશન વિશે જામનગરમાં વાસ્તવિક સ્થિતિ શું છે? તે અત્રે જોઇએ.
‘ખબર ગુજરાત’ દ્વારા કોર્પોરેશનના નાયબ કમિશનર એ.કે.વસતાણીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેઓએ જણાવ્યું છે કે, આ ઇંજેકશનના વહિવટમાં જામનગર મહાનગરપાલિકાની કોઇ ભૂમિકા નથી. આ ઉપરાંત ‘ખબર ગુજરાત’ દ્વારા જિલ્લાની પરિસ્થિતિ અંગે તાગ મેળવવા જિલ્લા વિકાસ અધિકારી ડો.વિપીન ગર્ગની ગઇકાલે સોમવારે રૂબરૂ મૂલાકાત લેવામાં આવી હતી. તેઓએ જણાવ્યું છે કે, જે લોકો ખાનગી અથવા સરકારી હોસ્પિટલોમાં કોરોના દર્દી તરીકે દાખલ છે તેઓને જયારે આ ઇંજેકશનની જરૂરીયાત ઉભી થાય છે ત્યારે હોસ્પિટલ દ્વારા નિયત ફોર્મ ફિલ અપ કરી સરકાર પાસે ઇંજેકશન મેળવવા માંગણી કરવામાં આવે છે. સરકાર હોસ્પિટલોને આ ઇંજેકશન પૂરા પાડી રહી છે. જે કોરોના દર્દીએ હોમ કવોરનટાઇન છે તેઓને આ ઇંજેકશનની જરૂર નથી. તેથી કોઇપણ ડોકટરના પ્રિસ્ક્રિપ્શન પર આ પ્રકારના દર્દીઓને આ ઇંજેકશન આપવામાં આવતાં નથી. એમ ડો.વિપીન ગર્ગ દ્વારા ‘ખબર ગુજરાત’ને રૂબરૂ મૂલાકાતમાં જણાવવામાં આવ્યું છે.
આ ઇંજેકશનની ખરી રામાયણ શું છે? તે અત્રે જોઇએ. ઘણાં કોરોના દર્દીઓ હોમ કવોરનટાઇન છે. આ દર્દીઓની તબિયતનું મોનિટરીંગ કોર્પોરેશનના સંબંધિત અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસરે કરવું જરૂરી હોય છે. પરંતુ જામનગર, રાજકોટ અને અમદાવાદ સહિત કોર્પોરેશનના આરોગ્ય અધિકારીઓ આ ફરજ યોગ્ય રીતે બજાવતા નથી. તેથી આ પ્રકારના ઘણા હોમ કવોરનટાઇન દર્દીઓની તબિયત વધુ લથડતાં મોનિટરીંગના અભાવે આ દર્દીઓના મૃત્યુ પણ થાય છે. જામનગરમાં આવાં બે ઉદાહરણ પાછલાં ચાર દિવસમાં જાહેર થયાં છે. ગુલાબનગર આરોગ્ય કેન્દ્ર અને ગોમતીપુર આરોગ્ય કેન્દ્ર હેઠળના વિસ્તારોમાં બે દર્દીઓ મૃત્યુ પામ્યા છે. આ પ્રકારના દર્દીઓની તબિયત ધારોકે, અચાનક વધુ બગડે તો પણ તેને આ ઇંજેકશન આપવામાં આવતા નથી. બીજી બાજુ સરકારી હોસ્પિટલમાં જગ્યા ન હોવાના કારણે આ પ્રકારના દર્દીઓએ ફરજીયાત ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેવી પડે છે. જે લોકો પાસે નાણાંની સગવડ નથી હોતી તે પ્રકારના ગંભીર કોરોના દર્દીઓએ ના છૂટકે પોતાની જાત મોતના હવાલે કરવી પડે તેવી સ્થિતિ છે.કારણ કે, જામનગરની કોરોના હોસ્પિટલ કોરોના દર્દીઓના વેઇટીંગ લિસ્ટની સતાવાર જાહેરાત કરતી નથી.આ પરિસ્થિતિમાં કોરોના હોસ્પિટલમાં કયા દર્દીને કેવી રીતે દાખલ કરવામાં આવે છે? તે અંગેની કોઇ જ જાણકારી કોઇની પાસે નથી. જેને કારણે આ આખી વ્યવસ્થા અંગે લોકોમાં નારાજગી અને રોષ છે.
આ ઉપરાંત ખાનગી હોસ્પિટલોમાં કોરોના દર્દીઓની શું સ્થિતિ છે? તે અંગેનું કોઇ મોનિટરીંગ સ્થાનિક તંત્રોના લેવલે કરવામાં આવતું નથી. ખાનગી હોસ્પિટલોમાં કોરોના દર્દીઓના મૃત્યુ થાય તેવા કિસ્સાઓ પણ જાહેર કરવામાં આવતાં નથી. ટૂંકમાં, તંત્રો દ્વારા ઘણી વાતો અને ઘણી વિગતો જાહેર કરવામાં આવે છે. તેની સામે ઘણી મહત્વની વિગતો જાહેર કરવામાં આવતી ન હોય લોકો તંત્રોને સતત શંકાની નજરે જોઇ રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular