જામનગર શહેર અને જિલલામાં કોરોના મહામારીનો તાંડવ હજી ચાલી રહ્યું છે. છેલ્લાં 24 કલાક દરમિયાન જામનગર શહેરમાં 192 અને ગ્રામ્યના 122 કેસ મળી 314 કેસ નોંધાયા છે. તો 220 દર્દીઓએ કોરોનાને હરાવવામાં સફળ રહેતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આજે જામનગર શહેરમાં 02 દર્દીઓના મોત થયાના સરકારી ચોપડે નોંધાયું છે. જામનગર શહેરમાં કોરોનાના કારણે અનેક દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. પરંતુ સરકારી ચોપડે માત્ર 24 દર્દીઓના મોત થયાનો દર્શાવાય રહ્યું છે.
છેલ્લાં ઘણાં દિવસોથી જામનગર જિલ્લામાં કોરોના પોઝિટીવ દર્દીઓનો આંક 300 આસપાસ જ રહે છે. જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલમાં બેડ પણ ફુલ થઇ ચૂક્યા છે. કોરોનાનું સંક્રમણ વધતાં પરિસ્થિતિ વણસતી જઇ રહી છે. જામનગર શહેરમાં 192 પોઝિટીવ કેસ સામે આવ્યા છે. જ્યારે 127 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. આ ઉપરાંત જામનગર ગ્રામ્ય વિસ્તારમાં કુલ 122 પોઝિટીવ કેસ નોંધાયા છે. જ્યારે 93 દર્દીઓએ કોરોનાને મ્હાત આપતા ડિસ્ચાર્જ કરાયા છે. જામનગર શહેરમાં અત્યાર સુધીમાં કુલ 283196 સેમ્પલનું પરીક્ષણ થયું છે. જામનગર ગ્રામ્યમાં અત્યાર સુધીમાં કુલ 224967 સેમ્પલનું પરીક્ષણ થયું છે. એક જ દિવસમાં 314 દર્દીઓ નોંધાયા હોય વહીવટી તંત્ર પરિસ્થિતિને પહોંચી વળવામાં ઉંઘેમાથે થયું છે. જામનગરમાં કોરોના વિકરાળ બનતો જઇ રહ્યો છે. કોવિડ હોસ્પિટલ પોઝિટીવ દર્દીથી ઉભરાઇ રહી છે. જામનગર ગ્રામ્યમાં આજે પોઝિટીવ આવેલ દર્દીઓ કરતાં સાજા થનાર દર્દીઓની સંખ્યા વધુ નોંધાય છે.