Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયનવી ઉપાધિ: દેશભરમાં કોરોના રસીની અછત

નવી ઉપાધિ: દેશભરમાં કોરોના રસીની અછત

- Advertisement -

ભારતમાં કોરોનાનું સંક્રમણ માઝા મૂકી રહ્યું છે ત્યારે તેની સામે રક્ષણ આપતા એકમાત્ર ઉપાય સમાન કોરોનાની રસીની તીવ્ર અછત સર્જાઈ છે. ઓછામાં ઓછા 10 રાજ્યોએ ફરિયાદ કરી છે કે તેમની પાસે હવે ફક્ત 3થી 4 દિવસ વેક્સિનેશન થઈ શકે તેટલા પ્રમાણમાં જ રસીનો જથ્થો બાકી રહ્યો છે. કોરોનાના સૌથી વધુ કેસ ધરાવતા મહારાષ્ટ્ર ઉપરાંત ઓડિશા, આંધ્રપ્રદેશ, પંજાબ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, છત્તીસગઢ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં આગામી 3 થી 4 દિવસ ચાલે તેટલો જ રસીનો જથ્થો બાકી રહ્યો છે. કોરોના રસીનો જથ્થો ઘટતાં સંખ્યાબંધ રાજ્યોને વેક્સિન સેન્ટર બંધ કરવાની ફરજ પડી રહી છે.

- Advertisement -

મહારાષ્ટ્રે ગુરુવારે જણાવ્યું હતું કે, કોરોનાની રસી ખૂટી પડતાં મુંબઇ શહેરમાં 26 વેક્સિન સેન્ટર બંધ કરી દેવાયાં છે. તેમાંથી 23 સેન્ટર નવી મુંબઇમાં આવેલાં છે. રાજ્યના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ જણાવ્યું હતું કે, બુધવાર સાંજથી જ સતારા, સાંગલી, ચંદ્રપુર અને પનવેલમાં રસીકરણ બંધ કરી દેવાયું હતું. એનસીપીના સાંસદ સુપ્રિયા સૂલેએ જણાવ્યું હતું કે, પૂણેમાં 100 કરતાં વધુ સેન્ટર બંધ થયાં છે. યવતમાલ, અકોલા, બુલઘાના અને વાશિમ જિલ્લાઓમાં રસીકરણ ધીમું કરી દેવાયું છે. બીએમસીએ જણાવ્યું હતું કે, જો ગુરુવારે રસીનો જથ્થો નહીં મળે તો મુંબઇમાં તમામ કેન્દ્ર બંધ કરી દેવા પડશે.

કોરોના સામેની લડાઈ માટે જરૂરી એવાં ઇન્જેક્શન, વેક્સિન, હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજનને લઈને કોરોનાના 61 ટકા કેસ જ્યાં નોંધાયા છે એવાં ચાર મોટાં શહેરોમાં સ્થિતિની ચકાસણી કરી હતી. સુરતમાં હાલ 97 ટકા બેડ ફુલ છે તો અમદાવાદમાં પણ 80થી 85 % બેડ ફુલ છે. સૌરાષ્ટ્રના વાંકાનેરની સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની તંગીને કારણે એક જ રાતમાં ત્રણ કોરોના દર્દીનાં મોત નીપજતાં ખળભળાટ મચી ગયો હતો. રાજકોટ-વડોદરામાં રસી કે ઓક્સિજનની તંગી જોવા મળી નહોતી. આરોગ્ય સચિવ જયંતી રવિએ જણાવ્યું હતું કે 15 લાખ રસીના ડોઝ આવી ગયા હોવાથી દૈનિક પોણાચાર લાખને રસીકરણનું લક્ષ્યાંક મેળવી શકાશે.

- Advertisement -

અમદાવાદની સ્થિતિ: રેમડેસિવીર અને ટોસિલિઝુમેબ બંને ઈન્જેક્શનની તંગી છે. ડોક્ટર લખી આપે છે પણ માર્કેટમાં ઉપલબ્ધ નથી. ટોસિલિઝુમેબ ઈન્જેક્શન નહીં મળતાં બુધવારે 65 વર્ષીય મહિલાનું બુધવારે મૃત્યુ થયું હતું.ખાનગી હોસ્પિ.નાં બેડ 85 ટકા, સરકારી બેડ 80 % ફુલ છે. સિવિલ હોસ્પિ.માં 400 બેડ રિઝર્વ કરાયાં છે. 9 સરકારી હોસ્પિટલમાં જે ઓક્સિજન બે દિવસ ચાલતો હતો એ હવે દિવસમાં બે વખત ભરવો પડે છે, પ્રાઈવેટ હોસ્પિટલમાં ઓક્સિજન ખૂટ્યો હોવાનું નોંધાયું છે. અમદાવાદમાં રસીનો સ્ટોક ઓછો આવવાથી તથા અન્ય કારણોસર રસીકરણમાં 52 ટકાનો ઘટાડો થયો છે. જોકે સરકાર રસી ખૂટી હોવાનો ઈનકાર કરે છે.

વડોદરાની સ્થિતિ: હોસ્પિટલ એસો.ના મતે 6000 રેમડેસિવીર ઇન્જેકશનની ડિમાન્ડ છે, પણ રોજ 4000 ઇન્જેકશન આવી રહ્યાં છે. વડોદરામાં ખાનગી-સરકારી હોસ્પિટલોમાં કુલ 71.65 % બેડ ફુલ છે. ( 9763માંથી 6983 બેડ ઓક્યુપાઇડ). કુલ 100 ટનની ડિમાન્ડ સામે સ્થાનિક સ્તરે 117 ટન ઉત્પાદન છે. ઓક્સિજન સિલિન્ડરની કમી છે વડોદરામાં રસીકરણ અગાઉ કરતાં ઘટ્યું નથી. અહીં રસીકરણમાં ગુરુવારે 0.3 ટકાનો વધારો નોંધાયો હતો.

- Advertisement -

રાજકોટની સ્થિતિ: સરકારી હોસ્પિટલોમાં પથારીની સંખ્યા વધારવામાં આવી છતાં 90% બેડ ભરેલાં રહે છે રાજકોટમાં રેમડેસિવિર તથા અન્ય ઇન્જેક્શન માટે ગંભીર તંગી નથી. હાલ 5000 ઇન્જેક્શનનો સ્ટોક છે. સરકારી હોસ્પિટલોમાં બેડની અછત છે, સતત બેડની સંખ્યા વધારવા છતાં 90 ટકા બેડ ભરેલાં જ રહે છે. જોકે મૃતકોની સંખ્યા વધતાં સ્મશાનમાં હજુ પણ વેઇટિંગની સ્થિતિ છે અને સિવિલ હોસ્પિટલમાં સ્ટાફની અછત અને દર્દીઓની સંખ્યા વધતાં અરાજકતા સર્જાઈ છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દરરોજ 13 હજાર લિટર ઓક્સિજનની જરૂર પડે છે, જોકે પુરવઠો પૂરતો હોવાથી ગંભીર તંગી સર્જાતી નથી. રાજકોટ શહેરમાં દરરોજ સરેરાશ 10 હજાર લોકોને રસી આપવામાં આવી રહી છે, જે અગાઉ કરતાં નજીવો વધારો છે.

સુરતની સ્થિતિ: 97 ટકા બેડ ફૂલ, રસીનો જથ્થો ખૂટી પડતા રસીકરણ ઘટ્યું. હાલ 1305 રેમડેસિવીર ઇન્જેક્શન સ્ટોકમાં પડ્યા છે. ઇન્જેક્શન માટે કુલ 814 ઓનલાઇન અરજી પ્રાપ્ત.શહેરની ખાનગી હોસ્પિટલોમાં સરેરાશ 97 ટકા બેડ ફૂલ. જ્યારે કેટલીક હોસ્પિટલો 100 ટકા ફૂલ. કુલ 5-10 ટકા સુધીની સપ્લાય ઘટી. મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાંથી લિક્વિડ ઓક્સિજન મગાવવો પડ્યો. 3 એપ્રિલે 56,342 લોકોને રસી અપાઈ. એ પછી રસી ખૂટી જતા અંદાજે 26થી 32 હજારને રસી આપવામાં આવી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular