વેક્સિનનું મૂળ કામ તમને જે તે રોગનો ભોગ બનાવ્યા વગર જ તેની સામે રક્ષણ આપવાના હેતુથી તમારી પ્રતિકાર શક્તિ વધારવાનું છે. અમુક અત્યંત મંદ કે માધ્યમ કક્ષાની આડઅસરો આ પ્રક્રિયા દરમ્યાન જોવા મળે એ સ્વાભાવિક છે. જ્યારે તમે વેક્સિન લો છો ત્યારે તમારૂં શરીર તમારી ઈમ્યૂન સિસ્ટમને એ રસીમાંના એન્ટિજન (બાહરી તત્વો જેવા કે ઈનેક્ટિવ કરી દેવાયેલા વાયરસ કે એનું પ્રોટીન વિગેરે)નો પ્રતિકાર કરવા માટેના જુદા-જુદા રસ્તા અજમાવવાની સૂચના આપે છે. જેને પરિણામે તમારા શરીરમાં લોહીનો પ્રવાહ ઝડપી બને છે જેથી પ્રતિકાર કરનારા કોષો (ઈમ્યૂન સેલ્સ) ઝડપથી આખા શરીરમાં ફરી વળે. લોહીનો પ્રવાહ વધવાથી શરીરનું તાપમાન વધે એ સ્વાભાવિક છે, જેને આપણે તાવ કહીએ છીએ…. ટૂંકમાં, વેક્સિન લેવાથી તાવ આવે તો…..તાવ અચ્છા હૈ.
આમ આ તાવ આવવાની સાથે શરીરમાં કળતર થવું, સ્નાયુઓ દુ:ખવા, નબળાઈ લાગવી, અમુક સંજોગોમાં ઉબકા-ઉલ્ટી થવા…આ તમામ શરીર દ્વારા પેદા કરવામાં આવેલ ઈમ્યૂન રિસ્પોન્સના લક્ષણો છે જે સાબિત કરે છે કે તમારૂં શરીર એન્ટિજન સામે લડત માટેની સ્ટ્રેટેજી તૈયાર કરવા માંડ્યું છે અને આ એન્ટિજનથી ભવિષ્યમાં થનાર કોઈ પણ સંક્રમણને ટાળવા, રોકવા કે એની અસર ઓછી કરવા માટે સજ્જ થઈ રહ્યું છે. આ જ સ્ટ્રેટેજી ભવિષ્યમાં જ્યારે મૂળ એક્ટિવ વાયરસ હુમલો કરે ત્યારે શરીર એના પ્રતિકાર માટે વાપરવાનું છે. આ તમામ અસરો બેએક દિવસમાં આપોઆપ દૂર થઈ જશે એટલે એ બાબતે ચિંતા કરવાની જરૂર નથી. (તાવ કે કળતર સહન ન થઈ શકે એવા હોય તો જ આપેલી દવાઓનો સહારો લેવો, અન્યથા થોડુક સહન કરીને પણ શરીરને એની ફિઝિયોલોજી મુજબ કામ કરવા દેવું). સંપૂર્ણ ઈમ્યૂનિટી તો બીજો ડોઝ લીધા પછી બેત્રણ અઠવાડિયા બાદ આવશે, એટલે ત્યાં સુધી ધીરજ ધરવી.
વ્યક્તિએ વ્યક્તિએ આવી અસરો અલગ અલગ જોવા મળી શકે છે એમાં ઉંમર, શારીરિક સ્થિતિ, સ્ત્રી/પુરુષ, અન્ય રોગોની ઉપસ્થિતિ, એલર્જી જેવા પરિબળો જવાબદાર છે. એટલે બીજાને કંઈ ન થયું એટલે તમને પણ કંઈ નહીં જ થાય…અથવા…બીજાને થયું એવું તમને પણ થશે જ… આ બંને માન્યતાઓથી દૂર રહી વેક્સિન પર ભરોસો રાખી સમયસર એના ડોઝ લઈ લેવા એ જ હિતાવહ અને અનિવાર્ય છે.
યાદ રાખો…..કોરોના થવાથી જે તકલીફો સહન કરવાની છે એની સરખામણીમાં વેક્સિન લેવાથી ઘણી ઓછી મુશ્કેલી પડશે અને ભવિષ્યમાં રોગથી સાવ નહિ બચી શકાય તો પણ રોગની ઘાતક અસરો ટાળી શકાશે એ નક્કી છે. જાગૃત બનો, જાણકાર બનો, સોશ્યલ મીડિયામાં ફેલાવાતા અફવાઓ અને ભયના વાતાવરણથી દૂર રહીને તમારા સ્વાસ્થ્ય અને તમારી જિંદગીનો નિર્ણય તમે જાતે લો એવી પ્રાર્થના.
વેક્સિન લીધા પછી તાવ આવે છે? શરીર તૂટે છે?
તો…ગભરાશો નહીં….ખુશ થાવ કે વેક્સિને તમારા શરીરમાં એણે જે કામ કરવાનું છે એ શરૂ કરી દીધું છે.