માસ્કના નિયમોનો ભંગ કરવા અંગે દંડની રકમ રૂા. 200થી વધારીને રૂા. 1000 કરવા પાછળ હાઇકોર્ટનો આશય લોકોમાં માસ્ક પહેરવાને લઇને જાગૃતિ આવે તેવો રહ્યો છે. દંડની રકમ વધારવા પાછળનું આશય વસુલાતનો નથી. પરંતુ લોકો ચેતે અને થોડો ડર રહે તેવો રહેલો છે. પરંતુ જામનગર સહિત અનેક જગ્યાએ દંડની રકમની વસુલાતનો આશય જ બદલી નાખવામાં આવ્યો હોય તેમ હાઇકોર્ટના આદેશનો ઉપયોગ આવક વધારવા માટે થઇ રહ્યો હોય તેવું જણાઇ રહયું છે. જામનગર શહેરમાં પણ જામ્યુકોના તંત્ર દ્વારા જાણે કે, આવક વધારવા જ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવતી હોય તેવું જણાઇ રહ્યું છે. એટલું જ નહીં આ કાર્યવાહી માત્ર ટાર્ગેટેડ બની રહી છે. કેટલાક ચોકકસ વિસ્તારોમાં ચોકકસ સમયે, ચોકકસ સંખ્યામાં દંડના કેસ અને વસુલાત કરીને જામ્યુકોના અધિકારીઓ કર્મચારીઓ ચાલતી પકડતાં હોય તેવું જણાઇ રહયું છે. મોટાભાગના વિસ્તારોમાં લોકો ખુલ્લેઆમ માસ્કના નિયમોના ભંગ કરી રહયા છે. છતાં તેના તરફ તંત્રની કોઇ જ ધ્યાન જતું નથી. જામ્યુકોના તંત્ર દ્વારા રર માર્ચથી ફરીથી શરૂ કરવામાં આવેલી આ ઝુંબેશ અંતર્ગત ગઇકાલ સુધીમાં દંડ પેટે રૂા. 2 લાખ જેટલી રકમ વસુલ કરી લેવામાં આવી છે. ગઇકાલની જ વાત કરીએ તો માસ્કના નિયમ અંગે કુલ 27 કેસ કરીને 27,500 વસુલવામાં આવ્યા હતા. જયારે સોશિયલ ડિસ્ટન્સના 60 કેસ કરીને 18,700 વસુલાયા હતા. આમ ગઇકાલે કુલ 46,200ની રકમ દંડ પેટે વસુલવામાં આવી હતી. જામ્યુકોની આ કામગીરી લોકોમાં જાગૃતિ લાવવાને બદલે વસુલાત પૂરતી સીમિત હોય તેવો આભાસ થઇ રહ્યો છે.