દ્વારકામાં રહેતી એક અપરણિત યુવતી સાથે થોડા સમય પૂર્વે મિત્રતા કેળવી, એક શખ્સ દ્વારા તેની ચોક્કસ કાગળમાં સહિત લઈ અને મેરેજ સર્ટિફિકેટ બનાવ્યા બાદ પોતાના ઘરે આવવા માટે દબાણ કરી અને ફોટા વાયરલ કરવાની ધમકી આપનારા શખ્સ સામે દ્વારકા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાઈ છે.
આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ દ્વારકામાં હાલ જલારામ સોસાયટી વિસ્તારમાં રહેતી દિપાલીબેન ભરતભાઈ અગ્રાવત નામની 25 વર્ષીય બાવાજી યુવતીને થોડા સમય પૂર્વે તેમના ઘર નજીક જ રહેતા ધવલ દિનેશભાઈ બદિયાણી નામના શખ્સ સાથે ઓળખાણ હોય, ધવલ દ્વારા આજથી આશરે ત્રણેક વર્ષ પૂર્વે ચોક્કસ કાગળમાં દિપાલીબેનની સહીઓ લઈ અને તેના દ્વારા બંનેના મેરેજ સર્ટિફિકેટ તૈયાર કરાવવામાં આવ્યા હતા.
આ પછી બહારગામ રહેતી દિપાલીબેન દ્વારકા આવતા ધવલે તેણીને માર્ગે આડે અટકાવી, પોતાના ઘરે આવવા માટે દબાણ કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, દિપાલીબેનના ફોટા સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ કરવાની ધમકી પણ આપતા આ સમગ્ર બનાવ અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 506(2) મુજબ ગુનો નોંધી આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ આર.આર. વાઘેલા દ્વારા હાથ ધરવામાં આવી છે.