Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતહવે,ગુજરાતના લોકો હોસ્પિટલો અને ડોકટરોના ‘એકસ-રે’ જોઇ શકશે

હવે,ગુજરાતના લોકો હોસ્પિટલો અને ડોકટરોના ‘એકસ-રે’ જોઇ શકશે

ખાનગી હોસ્પિટલોમાં ચાલતી લૂંટ અને બોગસ તબીબો-લેબોરેટરી પર અંકુશ લાવવા વિધાનસભામાં વિધેયક પસાર

- Advertisement -

ગુજરાતમાં આરોગ્ય સેવાને ધંધો બનાવતી ગુજરાતની ખાનગી હોસ્પિટલો અને ડીગ્રી વિનાના ડોક્ટરો પર અંકુશ લાવવા માટે વિધાનસભામાં વિધેયક પસાર કરવામાં આવ્યું છે. આ વિધેયક પસાર થવાથી તેનો અમલ ટુંક સમયમાં શરુ થશે. જેનાથી આરોગ્યને લગતા તમામ એકમો, લેબોરેટરી અને હોસ્પિટલો વગેરેની માહિતી સરકારને તથા સામાન્ય લોકોને મળી રહેશે. તે ઉપરાંત રાજ્યની તમામ ચાલુ તથા નવી શરુ થનાર હોસ્પિટલ, નર્સિંગ હોમ, લેબોરેટરી વગેરેનું રજિસ્ટ્રેશન હવે ફરજિયાત થશે.

- Advertisement -

રાજ્યમાં ઠેર ઠેર ખાનગી હોસ્પિટલો અને બોગસ ડોક્ટરોના નામની બૂમો પડી રહી છે. ત્યારે દર્દીઓને બેફામ લૂંટતી હોસ્પિટલો, ડોક્ટરો અને દર્દીઓ પાસેથી વધુ રકમ વસુલવા અંગેની થતી ફરિયાદોનું નિરાકરણ લાવવા માટે રાજ્ય સરકારે વિધાનસભામાં વિધેયક પસાર કરી દીધું છે અને આગામી દિવસોમાં તેનો અમલ શરુ થશે. રાજ્યને લાગુ પડતો ગુજરાત નર્સિંગ હોમ રજીસ્ટ્રેશન અધિનિયમ-1949 રદ કરી આરોગ્ય સેવાના ઉદ્દેશો સિધ્ધ કરવા માટે ગુજરાત ચિકિત્સા સંસ્થા રજીસ્ટ્રેશન અને નિયમન અધિનિયમ-2021 પુન: અધિનિયમિત કરવાનું વિધેયક નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગૃહમાં રજૂ કર્યું હતું.

નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે વિધાનસભામાં જણાવ્યું કે હાલમાં જાહેર અને ખાનગી એમ બંને ક્ષેત્રો દ્વારા લોકોને પુરી પાડવામાં આવતી આરોગ્ય સેવાઓની ગુણવત્તાની દેખરેખ રાખવા અને તેનું નિયમન કરવાને લગતી બાબતોને હાલમાં પુરતુ પ્રોત્સાહન પુરૂ પાડવુ જરૂરી છે. રજુ કરેલ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટથી રાજ્યની તમામ ચાલુ તથા નવી શરૂ થનાર હોસ્પિટલ, નર્સિંગ હોમ, લેબોરેટરી વગેરેનું રજીસ્ટ્રેશન ફરજીયાત થશે. જેથી આરોગ્ય સંલગ્ન તમામ એકમો લેબોરેટરી, હોસ્પિટલો વગેરેની માહિતી સરકારને તથા સામાન્ય જનતાને મળી રહેશે.

- Advertisement -

કોરોના જેવી વૈશ્વિક મહામારી દરમ્યાન વિસ્તાર દીઠ ડોકટરોની સંખ્યા તથા સંબંધિત ટેકનિકલ સ્ટાફ અને સાધનોની માહિતીથી તેની સામે વધુ અસરકારક રીતે લડી શકાય તેમજ મજબુત નીતિ નિર્માણ થાય તે જરૂરી હોઇ આ બીલ રજુ કરવામાં આવ્યું છે. નીતિન પટેલે જણાવ્યું કે, કેન્દ્ર સરકારે 2010માં ક્લિનિક્લ એસ્ટાબ્લીસમેન્ટની રૂપરેખા તૈયાર કરેલ છે. આરોગ્ય સેવાઓ રાજ્ય સરકારનો વિષય હોઇ દરેક રાજ્યોએ પોતાની રીતે તેમાં જરૂરી સુધારા-વધારા સાથે આ કાયદાને અમલમાં લાવવાનો રહે છે.

જાહેર આરોગ્યને લગતા જોખમો, રોગચાળા નિયંત્રણ અને તેની વધુ સારી રીતે દેખરેખ, ત્વરિત પગલાં લેવા અને મેનેજમેન્ટ કરવાની સુવિધા પૂરી પાડશે. રાજ્યની તમામ ખાનગી, જાહેર આરોગ્ય સંસ્થાઓનું રજીસ્ટ્રેશન, રેગ્યુલેશન અને ગુણવત્તાનાં સમાન ધોરણો નક્કી થતા ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થશે. દરેક કલીનીકલ એસ્ટાબ્લીસમેન્ટસમાં ઉપલબ્ધ સેવાઓ અને તેના દરો નાગરિકો જોઈ શકશે. આકસ્મિક સારવાર- અકસ્માત, પ્રસુતિ વગેરેનું વધુ સારું મેનેજમેન્ટ થઇ શકશે.

- Advertisement -

તમામ રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમોનું અસરકારક અમલીકરણ થશે. ખાનગી દવાખાનાઓ અને હેલ્થ ઈન્સ્યોરન્સ કંપનીઓ દ્વારા રજુ કરાતા ખોટા કલેઈમ ચકાસી શકાશે. સ્ટાન્ડર્ડ ટ્રીટમેન્ટ તથા ન્યૂનતમ ધોરણો નક્કી કરવાના કારણે બિન તંદુરસ્ત પ્રણાલીઓ અસરકારક રીતે અટકાવી શકાશે.
રાજ્યમાં પ્રવર્તતા બીમારીનાં પ્રકાર અને પ્રમાણ જાણી શકાશે, જે રાજ્યની આરોગ્ય અંગેની નીતિ ઘડવામાં અગત્યનું પરિબળ રહેશે. લાયકાત ધરાવતા વ્યક્તિઓ, સંસ્થાઓ દ્વારા જ કલીનીકલ એસ્ટાબ્લીસમેન્ટ ચલાવવાની જોગવાઈનાં કારણે ડીગ્રી વગરના ડોકટરો પર નિયંત્રણ મેળવી શકાશે.લાયકાત ધરાવતા તજજ્ઞો અને સહાયક સ્ટાફ માટે રોજગારીની તકમાં વધારો થશે જેથી વિદ્યાર્થીઓની તબીબી શિક્ષણ અને તેને સંલગ્ન અભ્યાસમાં રૂચી વધશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular