ખંભાળિયા તાલુકાના પીર લાખાસર ગામે રહેતા સુમરા પરિવારના બે કુટુંબીજનો વચ્ચે લગ્નમાં ન બોલાવવાના બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં સામ-સામા પક્ષે લોખંડના પાઈપ, કુહાડી જેવા હથિયારોનો છૂટથી ઉપયોગ થયો હતો. બંને પક્ષે કુલ આઠ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે.
આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના પીર લાખાસર ગામે રહેતા સુલતાનભાઈ ગુલમામદભાઈ ખફી નામના 37 વર્ષના સુમરા યુવાન તથા તેમના પરિવારજનો તેમના કૌટુંબિક સગા એવા અવેશ જુમાભાઈના લગ્નમાં ગયા ન હોવાથી આ અંગેના મનદુઃખનો ખાર રાખી, નુરમમાદભાઈ સુલેમાનભાઈ સુમરા, ગફાર નુરમામદભાઈ સુમરા, હુશેન નુરમામદભાઈ અને અવેશ જુમાભાઈ સુમરા નામના ચાર શખ્સો લોખંડના પાઈપ તથા કુહાડી જેવા હથિયારો સાથે ધસી આવ્યા હતા.
આરોપી શખ્સોએ ફરિયાદી સુલતાનભાઈ તથા સાહેદ અમીનાબેન અને ગુલમામદભાઈ તથા રમજાનભાઈને બિભત્સ ગાળો કાઢી, હથિયારો વડે મારમારી મૂઢ ઈજા કર્યાની તથા સાહેદ મુસાભાઈને ફેક્ચર સહિતની ઈજાઓ કર્યાની ધોરણસર ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
આ પ્રકરણમાં સામા પક્ષે પીરલાખાસર ગામના રહીશ અવેશ જુમાભાઈ સુમરાએ ગુલમામદભાઈ સુલેમાનભાઇ સુમરા, સુલતાન ગુલમામદભાઈ સુમરા, મુસાભાઈ ગુલમામદભાઈ સુમરા અને રમજાનભાઈ ગુલમામદભાઈ સુમરા નામના ચાર શખ્સો સામે અહીંની પોલીસમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે.
આ પોલીસ ફરિયાદમાં જાહેર થયેલી વિગત મુજબ ફરિયાદીના લગ્નમાં આરોપીઓને બોલાવેલા ન હોય, જે બાબતનું મનદુઃખ રાખી, આરોપી શખ્સોએ લોખંડની પાવડી તથા લાકડી જેવા હથિયારો વડે ફરિયાદી તથા સાહેદ મુમતાજબેન તથા નુરમામદભાઈ વિગેરેને માર મારી, નાની મોટી ઈજાઓ પહોંચાડી હતી.
ઉપરોકત બનાવ અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 323, 324, 504, 114 થતા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે. આ સમગ્ર પ્રકરણ અંગે આગળની તપાસ અહીંના પી.આઇ. વી.વી. વાગડીયાના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ એમ.એમ. રોશીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.