એમબીએ-એમસીએ પ્રવેશ માટેની સીમેટ (કોમન મેનેજમેન્ટ એડમિશન ટેસ્ટ) પરીક્ષાની નવી તારીખ જાહેર કરી દેવામા આવી છે. હવે 31મી માર્ચે દેશભરમા સીમેટ પરીક્ષા લેવાશેે.સીમેટ પરીક્ષામાં ઈનોવેશન એન્ડ આંત્રપ્રિન્યોરશિપ સબ્જેકટ ન હોવાથી આ સબ્જેક્ટ ઉમેરી નવી પેટર્ન સાથે પરીક્ષા લેવા માટે એઆઈસીટીઈની સૂચનાથી ફેબુ્રઆરીમાં લેવાનાર પરીક્ષા મોકુફ કરાઈ હતી.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા સીમેટ પરીક્ષા 22થી27 ફેબુ્રઆરી દરમિયાન લેવાનાર હતી પરંતુ એઆઈસીટીઈની સૂચનાથી પરીક્ષા મોકુફ કરી દેવાઈ હતી. સીમેટ પરીક્ષાની પેટર્ન મુજબ વિવિધ વિષયોના એમસીક્યુ પ્રશ્નો સીલેબસમા રાખવામા આવ્યા છે.પરંતુ ઈનોવેશન અને આંત્રપ્રિન્યોરશિપ સબ્જેકટના પ્રશ્ર્નો ન હતા. છેલ્લા કેટલાક વર્ષોથી ઈનોવેશન અને આંત્રપ્રિન્યોરશિપ તરફ વિદ્યાર્થીઓ વળ્યા છે અને એમબીએ ઈન આંત્રપ્રિન્યોરશિપ કોર્સ પણ નવો શરૃ થયો છે ત્યારે આંત્રપ્રિન્યોરશિપમાં જવા માંગતા વિદ્યાર્થીઓ માટે સીમેટની પરીક્ષાની પેટર્નમાં સુધારો કરી આ વિષયના પ્રશ્નો ઉમેરવા જરૂરી હતા.
જેથી એઆઈસીટીઈની સૂચનાથી એનટીએ દ્વારા પરીક્ષા મોકુફ કરી આંત્રપ્રિન્યોરશિપમાં એમબીએ કરવા માંગતા અને સીમેટ આપવા માંગતા વિદ્યાર્થીઓ માટે ફરીથી રજિસ્ટ્રેશન પણ શરૂ કરવામા આવ્યુ હતુ. ઉપરાંત જે વિદ્યાર્થીઓએ અગાઉ રજિસ્ટ્રેશન કર્યુ હતુ તેઓને સુધારાની પણ તક અપાઈ હતી.હવે એનટીએ દ્વારા આ નવા વિષયોના પ્રશ્નો સાથે પરીક્ષા લેવા માટે નવી તારીખ જાહેર કરી છે.જે મુજબ 31મી માર્ચે પરીક્ષા લેવાશે અને જે સવારે અને બપોરે એમ બે સેશનમાં લેવાશે.