ચીને તેનો પ્રાદેશિક વિસ્તાર વધારવા માટે હિમલાયની તળેટીમાં ભારત સાથેની વિવાદિત સરહદી જમીન પર મોટાપાયે નવા ગામડાઓ બાંધી દીધાં હોવાનો સનસનીખેજ અહેવાલ પ્રકાશમાં આવ્યો છે. નવી દિલ્હી ખાતે આવેલા સેન્ટર ફોર પોલિસી રિસર્ચના પ્રોફેસર બ્રહ્મા ચેલાણીએ લખ્યું છે કે ભારત, ભુતાન અને નેપાળ જે જમીન પોતાની માલિકીની હોવાનો દાવો કરે છે તેવી વિવાદિત સરહદી જમીન પર ચીન દ્વારા આક્રમક રીતે મોટાપાયે નવા ગામડાઓ બનાવવામાં આવ્યાં છે અને પોતાનો અંકુશ જમાવ્યો છે. અહીં તે મોટાપાયે નવી લશ્કરી સુવિધાઓ ઊભી કરી રહ્યું છે. નવા લશ્કરી બાંધકામોમાં ખાસ કરીને ઈલેક્ટ્રોનિક્સ વોરફેર સ્ટેશનો તેમજ એર ડિફેન્સ સાઈટ્સ અને ભૂગર્ભ એમ્યુનિશન ડીપો બનાવાઈ રહ્યાં છે. લદાખ સહિત અનેક વિવાદિત સ્થળે હજી ચીનના સૈનિકોનો ખડકલો કરાયો છે.
ચીન દ્વારા સરહદે લશ્કરી સુવિધાઓથી સજ્જ ગામડાઓ બાંધવામાં આવી રહ્યાંછે. જે ચીનના પ્રમુખ જિનપિંગની વિસ્તારવાદની નીતિનો નિર્દેશ કરે છે. ગયા મે મહિનામાં ભારતના સૈનિકોએ ચીનની સેનાને જડબાતોડ જવાબ આપ્યો તે પછી ચીને ભારત સામે લડવા તેનો વ્યૂહ બદલ્યો છે. જિનપિંગની સાઉથ ચાઈના સીમાં વિસ્તારવાદની નીતિ લશ્કરી ઘર્ષણ સર્જશે તેવી ભીતિ વ્યક્ત કરાઈ છે. જુદાજુદા પ્રદેશો પર નાનાપાયે કબજો જમાવવાની ચીનની નીતિ છે.
હોંગકોંગ ખાતેના અખબાર સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટમાં જણાવ્યા મુજબ ચીન સરકાર હિમાલયના વિવાદિત વિસ્તારોમાં 624 નવા ગામડાં બાંધવા માગે છે. ગરીબી નાબૂદીના નામે આ ઝુંબેશ ચલાવાઈ રહી છે અને તિબેટીઓને નવા ગામડાઓમાં રહેવા ફરજ પાડવામાં આવે છે. વિદેશી નિવાસીઓ તરીકે ચીન અહીં પરંપરાગત હાન ચાઈનીઝને પણ રહેવા મોકલે છે. આ રીતે નવાં ગામડાંમાં લોકોને વસવાટ કરાવીને ચીન આ જમીન પર સત્તાવાર રીતે તેમજ કાયદેસર રીતે પોતાનો હક દાવો જમાવવા માગે છે. ચીનની આ પ્રકારની હરકતો હિમાલય તેમજ ત્યાંથી નીકળતી નદીઓ સામે પર્યાવરણીય તેમજ તેના અસ્તિત્વ સામે ખતરો સર્જી શકે છે. 2017 પછી ચીને ડોકા લામાં મોટાપાયે લશ્કરી ઝોન બનાવીને તેને મોટું પર્યાવરણીય નુકસાન પહોંચાડયું છે.