Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરવિઝન વગરનો વિકાસ

વિઝન વગરનો વિકાસ

જામ્યુકો રૂા.130 લાખનાં ખર્ચે પાર્ક કોલોનીનો મુખ્ય રોડ સિમેન્ટનો બનાવશે: શું પાંચ પચ્ચીસ લાખ વધુ ખર્ચીને આ માર્ગને ફુલપ્રૂફ અને દાખલારૂપ ન બનાવી શકાય ?

- Advertisement -

પરેશ સારડા

- Advertisement -

જામનગરમાં જોગર્સ પાર્કથી સેન્ટઆન્સ સુધીના પાર્ક કોલોનીના રસ્તાને જામ્યુકો દ્વારા રૂા.130 લાખના ખર્ચે સિમેન્ટ કોન્ક્રીટથી મઢવામાં આવશે. આ માટેના ટેન્ડર બહાર પાડી દેવામાં આવ્યા છે. અને થોડા દિવસોમાં કદાચ કામ પણ શરૂ થઇ જશે સાવ સાદા સરકારી ચશ્માથી નિહાળિયે તો આ વિકાસ જણાશે. વિકાસની જે વ્યાખ્યા સત્તાધિશો દ્વારા પ્રસ્તુત અને પ્રદર્શિત કરવામાં આવે છે. તેમાં બરાબર બંધ બેસી જશે. પરંતુ આંખો પર જો થોડા મેગ્નીફાયર લેન્સ લગાડીને નિહાળશો તો વિકાસમાં વિઝનનો અભાવ જણાશે.

અહિં આશય વિકાસને નકારવાનો કે તેની ટિકા કરવાનો નથી પરંતુ વિઝન સાથેના વિકાસને પ્રસ્તુત કરવાનો છે. આશય વિકાસની વ્યાખ્યાને વિશાળ સંદર્ભમાં રજુ કરવાનો છે. જેથી જામ્યુકોના સતાધિશો આ બાબતને હકારાત્મક અભિગમથી નિહાળે તેવો અમારો અનુરોધ પણ છે. શહેરના નાગરિકો પણ આ મુદ્દે ગંભીરતાથી વિચારી શકે છે કેમ કે વિકાસમાં તેમના નાણાંનો જ ઉપયોગ થઈ રહ્યો છે.

- Advertisement -

હા, વાત હતી 130 લાખના સિમેન્ટ રોડની અને એ વિસ્તાર જે શહેરનો સૌથી પોશ વિસ્તાર છે. જ્યાં આ રોડ બનવા જઈ રહ્યો છે. 130 લાખની રકમ કોઇ નાની સુની રકમ તો નથી જ. જ્યારે આટલી મોટી રકમ ખર્ચાય રહી છે ત્યારે સ્વાભાવિક રીતે જ એક આલિશાન રોડ ની કલ્પના થઈ શકે. ત્યારે અહીં પ્રશ્ર્ન એ છે કે, જામ્યુકોનું તંત્ર જ્યારે આટલી મોટી રકમ ખર્ચી રહ્યું છે ત્યારે થોડો લાંબો વિચાર કરીને પાંચ પચ્ચીસ લાખ રૂપિયા વધુ ખર્ચીને આ માર્ગને એક આદર્શ અને ફૂલપ્રુફ માર્ગ ન બનાવી શકાય..? ફુલપ્રુફ માર્ગ એટલે એક એવો માર્ગ જેને બનાવ્યા પછી વર્ષો નહીં પરંતુ દાયકાઓ સુધી તેના તરફ જોવું ન પડે. ફુલપ્રૂફ માર્ગ એટલે એક એવો માર્ગ કે જે ભવિષ્યમાં કોઇપણ કેબલ કે પાઈપલાઈન માટે તોડવો ન પડે તે માટે તેમાં નિશ્ર્ચિત અંતરે ડકટ મુકવામાં આવે, વરસાદી પાણી સડસડાટ વહી જાય તે માટે રસ્તાની બન્ને તરફ સ્ટોર્મવોટર ડ્રેનેજ હોય, બન્ને તરફ ફૂટપાથ હોય અને રસ્તાની બન્ને તરફ પ્લાન્ટેશન અને યોગ્ય લાઈટીંગ વ્યવસ્થા હોય. આ કોઇ પરિકલ્પના નથી પરંતુ, સાકાર થઈ શકે તેવું વિઝન છે. જે થોડા વધુ ખર્ચથી અમલમાં મુકી શકાય છે.

માત્ર 130 લાખની સિમેન્ટ પાથરી દેવાથી તો માત્ર સિમેન્ટ કંપનીઓ અને કોન્ટ્રાકટર જ કમાશે. એ વાત સાચી કે જામ્યુકો નાણાંકીય સમસ્યાનો સામનો કરી રહી છે. વિકાસ માટે તેમની પાસે પોતાનું કોઇ ફંડ નથી. શહેરનો સઘળો વિવકાસ ગ્રાન્ટ આધારિત છે. ત્યારે વિકાસ કામોનું સંતુલન જાળવવા સત્તાધિશોની રાજકીય મજબુરી પણ હોઇ શકે પરંતુ વિકાસમાં જો વિઝન ઉમેરવામાં આવે તો લાંબા ગાળે તે ફાયદાકારક જ સાબિત થાય છે. શહેરમાં દરેક નહીં તો કોઇ એક માર્ગ ને તો ફૂલપ્રુફ બનાવીને દાખલો બેસાડી જ શકાય વિઝન સાથેના વિકાસથી જામનગરનું ગૌરવ ઘટશે નહીં પણ વધશે જ તે ચોકકસ વાત છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular