સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન સેલ્ફ ફાઇનાન્સ કોલેજો વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ પ્રવેશ વખતે પોતાના કબજે લઇ, દાદાગીરીથી ફી વસૂલાત કરતા હોવા સામે કાયદાકીય પગલાં લેવા માટે એનએસયુઆઈ દ્વારા સોમવારે કુલપતિને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન ઘણી બધી સેલ્ફ ફાઇનાન્સ કોલેજો વિદ્યાર્થીઓ પાસેથી ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઇ લેતા હોય છે.
જ્યારે કોઈ વિદ્યાર્થીને કોઈપણ કારણોસર ત્યાં એડમિશન રદ કરવાનું થાય તો તેમને ત્યાંથી એડમિશન રદ કરી દેવામાં આવતું નથી અને ઊલટાની એવી ધમકીઓ આપવામાં આવે છે કે તેના બધા જ વર્ષની ફી પૂરેપૂરી ભરશે નહીં તો તેના ઓરિજિનલ ડોક્યુમેન્ટ પરત આપવામાં આવશે નહીં અને વિદ્યાર્થીઓને ભવિષ્ય સાથે ચેડાં કરવામાં આવે છે. કુલપતિને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, બધી જ સેલ્ફ ફાઇનાન્સ કોલેજોને નિયમાનુસાર સૂચના આપવામાં આવે કે તે કોઈપણ વિદ્યાર્થીઓ પાસેથી ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરવાની માંગ ન કરે.