ગુજરાતમાં કોરોનાને એક વર્ષ પૂર્ણ થયું છે. ત્યારે ફરી પાછો કોરોનાના કેસમાં ઉછાળો આવી રહ્યો છે. ગુજરાતના ભરૂચમાં રહેતા અને અનેક સંસ્થાઓનો પાયો નાંખનાર પુષ્પાબેન પટેલે આજે 100 વર્ષ પૂર્ણ કર્યા છે. પરંતુ તેઓ કોરોના પોઝીટીવ હોવાથી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અને ડોક્ટરોએ તેમનો જન્મદિન ખાસ બનાવવા માટે ઉજવણી કરી હતી. પુષ્પાબેને હોસ્પિટલમાં કેક કાપીને પોતાના 100માં જન્મદિનની ઉજવણી કરી હતી.
ભરૂચમાં કોઈક જ વ્યકિત એવી હશે કે જે આ નામથી અપરિચિત હોય. તેઓએ પોતાનું આખુ જીવન લોકોની સેવા માટે સમર્પિત કરી દીધું છે. ભરૂચની રૂંગટા વિદ્યાલય, સંસ્કાર વિદ્યાધામ, માનસિક દિવ્યાંગ બાળકોની ‘કલરવ’, મૂક-બધિરની ‘ધ્વનિ’, અંધજનોની સંસ્થા હોય કે નર્મદા મહિલા ઔદ્યોગિક મંડળી, ઇનરવ્હીલ ક્લબ હોય કે રોટરી કલબ, નવું બનેલું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હોય કે મહિલા નાગરિક સહકારી બેન્ક, આ બધી સંસ્થાઓમાં પ્રાણતત્ત્વ પુષ્પાબેન છે. ઉપરાંત યુવાનો કરતા પણ વધુ સ્ફૂર્તિ તેઓ ધરાવે છે. પરંતુ હોરોના પોઝીટીવ થતાં તેઓને ભરૂચની આર.કે. કાસતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેઓનો ગઈકાલે જન્મદિવસ હતો અને હોસ્પિટલમાં પોતાના 100માં જન્મદિવસની કેક કાપીને તેઓએ ઉજવણી કરી હતી.