નંદીગ્રામમાં ચૂંટણી પ્રચાર દરમ્યાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પર થયેલા કથિત હુમલાના મામલામાં ચૂંટણીપંચે રવિવારે મોટું પગલું લેતાં મમતાના સિકયુરિટી ડાયરેકટર (સુરક્ષા નિર્દેશક) વિવેક સહાયને તાત્કાલિક અસરથી પદ પરથી હટાવી દીધા હતા.
બંગાળના નિરીક્ષકો અને મુખ્ય સચિવ અલપન બંદોપાધ્યના અહેવાલના આધારે પગલું લેતાં ચૂંટણીપંચે પૂર્વ મિદનાપુરના કલેકટર વિભુ ગોયલ અને પોલીસવડા પ્રવીણ પ્રકાશની પણ બદલી કરી નાખી હતી. આજે બેઠક બાદ પંચે મમતા પર હુમલાની આશંકા નકારીને આવા કોઇ પુરાવા જ નથી તેવું કહેતાં કહ્યું હતું કે, આ માત્ર એક દુર્ઘટના જ હતી.
પોલીસવડા પ્રકાશ વિરુદ્ધ મુખ્યમંત્રીની સુરક્ષામાં મોટી ખામી માટે આરોપ નક્કી કરાશે. અહેવાલો અનુસાર, મુખ્યમંત્રી સહિત રાજ્યના અન્ય મહત્ત્વપૂર્ણ લોકોની સુરક્ષામાં નિર્દેશક વિવેક સહાયનું વલણ બેજવાબદારીભર્યું જણાયું હતું. સમગ્ર મામલાની તપાસ 15 દિવસમાં કરીને 31મી માર્ચ સુધી ચૂંટણીપંચને અહેવાલ આપવાનો આદેશ પણ અપાયો છે. મમતા પર કથિત હુમલા અંગે નિરીક્ષકો અને મુખ્ય સચિવના અહેવાલ પર બેઠક બાદ ચૂંટણીપંચે રવિવારે મમતા પર હુમલાની આશંકા નકારી કાઢી હતી. નિરીક્ષકો બાદ આજે ચૂંટણીપંચે પણ કહ્યું હતું કે, બંગાળના મુખ્યપ્રધાન પર હુમલો થયો હોવાના કોઈ જ પુરાવા નથી, આ માત્ર અકસ્માત જ હતો.
ચૂંટણીપંચે જણાવ્યું હતું કે, નિરીક્ષકો તેમજ મુખ્ય સચિવ અલપન બંદોપાધ્યાયના અહેવાલમાં પણ કયાંય હુમલાનો ઉલ્લેખ નથી. ઈજાનું કારણ પણ અપાયું નથી, એ જોતાં આ માત્ર એક દુર્ઘટના હતી.દરમ્યાન, તૃણમૂલ કોંગ્રેસે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે ઘોષણાપત્ર જારી કરવાનો કાર્યક્રમ રવિવારે ત્રીજીવાર ટાળી દીધો હતો. બીજીતરફ, ચૂંટણીપંચના ફેંસલા બાદ મુખ્યમંત્રી મમતા બેનરજીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, અમે નીડરતાપૂર્વક લડતા રહીશું.