રેલવેના યાત્રીઓ પર ટૂંક સમયમાં વધુ બોજો આવી શકે છે. ભારતીય રેલવે નવી વ્યવસ્થા લાગૂ કરવાની તૈયારીમાં છે જેમાં રાત્રે મુસાફરી કરતાં યાત્રીઓ પાસે 10 થી ર0 ટકા વધુ ભાડુ વસૂલ કરવામાં આવી શકે છે.
રેલવેની આવક વધારવા માટે અધિકારીઓએ આવી ભલામણ સાથેનો પ્રસ્તાવ રેલવે મંત્રાલયને મોકલ્યો છે જેના પર ચાલુ માસના અંત સુધીમાં નિર્ણય લેવાય તેવી સંભાવના છે. રેલવેના અધિકારીઓએ મંત્રાલય સમક્ષ દરખાસ્ત મૂકી છે કે ભોપાલથી દિલ્હી અને મુંબઈની રાત્રીના સમયે યાત્રા કરતાં મુસાફરોને વધુ સુવિધા મળે છે. જેથી રેલવે આવા મુસાફરો પાસે નાઈટ જર્ની હેઠળ સ્લીપર શ્રેણીમાં 10 ટકા, એસી-3માં 1પ ટકા અને એસી-2 તથા એસી-1માં 20 ટકા વધુ ભાડુ વસૂલી શકે છે. બેડ રોલનું ભાડુ વધારી રૂ.રપ (મહત્તમ) થી વધારી રૂ.60 કરવા સૂચન કરાયુ છે.
કોરોના કાળમાં સંક્રમણ રોકવા ટ્રેનો બંધ કરી દેવામાં આવી હતી. જેથી રેલવેની આર્થિક હાલતને ગંભીર ફટકો પડયો છે. જેથી રેલવેની આવક વધારવા માટે વિવિધ ઝોનમાં અધિકારીઓ પાસે સૂચનો માગવામાં આવ્યા હતા. જેમાં એક સૂચન રાત્રી મુસાફરીમાં વધુ ભાડુ વસૂલવા અંગે છે. જે લોકો રાત્રી મુસાફરી કરવા ઈચ્છે છે તેમની પાસે ભાડુ પણ તે હિસાબે વસૂલવાથી યાત્રી સુવિધા ફંડમાં પણ વધારો થશે. રેલવેની આવક વધતાં એ યોજનાઓ આગળ વધારી શકાશે જે ફંડના અભાવે અટકી પડી છે.