ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનોલોજી એજ્યુકેશનએ એક મહત્ત્વના નિર્ણયમાં એન્જિનિયરિંગ માટે મેથ્સ અને ફિજિકસની અનિવાર્યતા સમાપ્ત કરી નાંખી છે. એટલે એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા ધો.12માં મેથ્સ અને ફિજિકસ જરૂરી નહીં પરંતુ વૈકલ્પિક રહેશે. એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવવા ઈચ્છુકો માટે એઆઈસીટીઈ અનુસાર હવે બીઈ અથવા બીટેક કોર્સ કરવા માટે ધો.12માં મેથ્સ અને ફિજિકસ લેવું ફરજિયાત નથી. નવી વ્યવસ્થા 2021-22 સત્રથી અમલી બનશે. હાલ લાગુ વ્યવસ્થામાં એન્જિનિયરિંગ અને ટેકનોલોજીના અંડરગ્રેજ્યુએટ કોર્સમાં પ્રવેશ માટે ધો.12ની પરીક્ષાના લેવલ સુધી મેથ્સ અને ફિજિકસ ફરજિયાત છે. કાઉન્સિલના આ નિર્ણયથી ધો.1રમાં વિદ્યાર્થીઓને ફિજિકસ, મેથ્સ, કેમેસ્ટ્રી, કમ્પ્યુટર સાયન્સ, ઈલેકટ્રોનિકસ, આઈટી, બાયોલોજી, ઈર્ન્ફોમેટિક પ્રેક્ટિસ, બાયોટેકનોલોજી, ટેકનિકલ વોકેશનલ સબ્જેકટ, એગ્રીકલ્ચર, એન્જિનિયરિંગ ગ્રાફિકસ, બિઝનેસ સ્ટડીઝમાંથી કોઈ ત્રણ વિષય પાસ કરવા જરૂરી બનશે. આ નિર્ણય નેશનલ એજ્યુકેશન પોલીસીને સુસંગત બનતાં વિવિધ પૃષ્ઠભૂમિમાંથી એન્જિનિયરિંગમાં અભ્યાસ કરવા આવતાં વિદ્યાર્થીઓના હિતમાં લેવાયો છે. ઉમેદવારોએ આ વિષયોમાં 45 ટકા, અનામત વર્ગના ઉમેદવારો માટે 40 ટકા ગુણ મેળવવા જરૂરી બનશે. એઆઈસીટીઈની હેન્ડબુકમાં આ બાબતનો ઉલ્લેખ કરાયો છે.