મોંઘવારીનો માર વેઠી રહેલા સામાન્ય લોકોને ભાવ ઘટાડા રૂપે કોઈ રાહત ન મળવા સાથે અર્થતંત્રને એક સાથે બેવડો ફટકો લાગ્યો છે. જાન્યુઆરીની તુલનાએ ફેબ્રુઆરી 2021માં રિટેઈલ ફૂગાવો 4.06 ટકાથી વધી 5.03 ટકા નોંધાયો છે તો જાન્યુઆરી 2021માં ફેકટરી ઉત્પાદન (આઈઆઈપી) માં 1.6 ટકાનો ઘટાડો થયો છે.
મિનિસ્ટ્રી ઓફ સ્ટેટેસ્ટિકસ એન્ડ પ્રોગ્રામ ઈમ્પિલમેન્ટેશન દ્વારા બે અલગ અલગ ડેટા જારી કરવામાં આવ્યા છે. સરકાર માટે આ બંન્ને આંક ચિંતાજનક છે. જાન્યુ.2020માં ઔદ્યોગિક ઉત્પાદનમાં ર.ર ટકાનો વધારો થયો હતો. ખાણી-પીણીની ચીજોના ભાવ વધારાએ મોંઘવારીમાં ઉછાળો આવ્યો છે.પેટ્રોલ-ડિઝલના સતત વધી રહેલા ભાવે મધ્યમવર્ગનું બજેટ વેરવિખેર કરી નાખ્યુ છે. ઈંધણના ઉંચા ભાવની અસર અન્ય ક્ષેત્રો પર પણ હવે જોવા મળી રહી છે. જાન્યુઆરીમાં રિટેઈલ ફૂગાવો નીચો આવવાનું એક કારણ શાકભાજીના ઘટેલા ભાવ હતું. ક્ધઝયુમર પ્રાઈઝ ઈન્ડેકસ (સીપીઆઈ) આધારીત ફૂગાવાનો દર ડિસે.2020માં 4.59 ટકા હતો.
રિઝર્વ બેંક રિટેઈલ ફૂગાવાના દરને ધ્યાને લઈ નાણાંકીય નીતિ ઘડે છે. સંસદે આરબીઆઈને રિટેઈલ ફૂગાવો બે ટકાની વધઘટ સાથે 4 ટકાએ રાખવાની નીતિગત જવાબદારી સોંપી છે. જાન્યુઆરીમાં સતત બીજા મહિને રિટેઈલ ફૂગાવો આ દાયરામાં રહયો હતો પરંતુ ફેબ્રુઆરીમાં તે નિયંત્રણ બહાર રહયો છે.
અર્થશાત્રીઓના મતે ખાદ્ય ફૂગાવામાં વ્યાપક આધારે નરમાશથી જાન્યુઆરી 2021માં સીપીઆઈ આધારિત ફૂગાવો 16 માસના નીચલા સ્તરે આવી ગયો હતો. ફેબ્રુ.2021માં મિશ્ર વલણ સામે આવ્યું છે.