ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટી20 શ્રેણી અમદાવાદમાં શરૂ થવા જઈ રહી છે. ટેસ્ટ શ્રેણીમાં 3-1થી જીત બાદ ટીમ ઈન્ડિયાનો આત્મવિશ્વાસ સાતમા આસમાને છે. ચાલુ વર્ષમાં થનારા ટી20 વિશ્વકપ પહેલા ભારત માટે આ શ્રેણી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ટી20 શ્રેણી દરમિયાન ભારતીય ખેલાડીઓ પાસે ઘણા રેકોર્ડ બનાવવાની તક રહેશે.
શ્રેણી દરમિયાન કેપ્ટન વિરાટ કોહલી એક મોટી ઉપલબ્ધી મેળવી શકે છે. કોહલી ટી20 ઈન્ટરનેશનલમાં 3000 રન બનાવનારો પહેલો બેટ્સમેન બની શકે છે. કોહલી આ આંકડાથી માત્ર 72 રન દૂર છે. કોહલીએ અત્યારસુધીમાં 85 ટી20 ઈન્ટરનેશનલ મેચની 79 ઈનિંગમાં 50.48ની સરેરાશથી 2928 રન કર્યા છે. આ દરમિયાન તેણે 25 અર્ધસદી કરી છે અને તેનો સર્વાધિક સ્કોર નોટઆઉટ 94 રન રહ્યો છે. સૌથી વધારે રન મામલે માર્ટિન ગપ્ટિલ બીજા અને રોહિત શર્મા ત્રીજા ક્રમાંકે છે.
રોહિત શર્મા ટી20 ઈન્ટરનેશનલમાં સૌથી વધારે છગ્ગા ફટકારનારો બેટ્સમેન બની શકે છે. રોહિતે અત્યારસુધીમાં 108 મેચમાં 127 છગ્ગા ફટકાર્યા છે. ન્યૂઝિલેન્ડના ઓપનર માર્ટિન ગપ્ટિલ 99 મેચમાં 139 છગ્ગા સાથે પહેલા ક્રમાંકે છે. જ્યારે ઈંગ્લેન્ડનો ઈયોન મોર્ગન 97 મેચમાં 113 છગ્ગા સાથે ત્રીજા ક્રમાંકે છે. સાથે રોહિત સૌથી વધારે રન બનાવવામાં ગપ્ટિલને પછાળ છોડી શકે છે. રોહિત અને ગપ્ટિલ વચ્ચે માત્ર 66 રનનું અંતર છે.
લેગ સ્પિનર યુઝૂવેન્દ્ર ચહલ ટી20માં સૌથી વધારે રન લેનારો ભારતીય બોલર બની શકે છે. ચહલ વર્તમાન સમયે બુમરાહ સાથે સંયુક્ત રીતે પહેલા ક્રમે છે. ચહલના નામે 45 મેચમાં 59 વિકેટ છે. જ્યારે બુમરાહે 50 મેચમાં 59 વિકેટ લીધી છે. બુમરાહ વર્તમાન શ્રેણીનો હિસ્સો નથી. તેવામાં ચહલ પાસે રેકોર્ડ બનાવવાની તક છે.
ભૂવનેશ્વર કુમાર પણ લાંબા સમય બાદ ટીમમાં વાપસી કરી રહ્યો છે. ભૂવી ટી20માં 50 વિકેટ લેનારો ચોથો ભારતીય બોલર બની શકે છે. તેના નામે 43 મેચમાં 41 વિકેટ છે. ભૂવી પહેલા અશ્વિન, બુમરાહ અને ચહલ આ ઉપલબ્ધી મેળવી ચુક્યા છે.