કુંભનગરી હરિદ્વારમાં પ્રથમ શાહી સ્નાનનો પ્રારંભ થઈ ગયો છે. આજે મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે તમામ સાધુ-સંતો શાહી સ્નાન કરી રહ્યા છે. સૌ પ્રથમ, જુના અખાડાના સંતોએ સ્નાન કર્યું. ત્યાર બાદ આહ્વાન અખાડા અને તે પછી કિન્નર અખાડાએ શાહી સ્નાન કર્યું. કિન્નર અખાડા પ્રથમ વખત હરિદ્વાર કુંભમાં સામેલ થયા છે. આ પહેલા ઉત્તરાખંડ પોલીસ બેન્ડ દ્વારા નમ: શિવાયની ધૂન વગાડીને સાધુઓનાં શાહી સ્નાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. હર કી પૌડીમાં આજે ફક્ત સાધુ-સંતો જ સ્નાન કરી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખીને ઘણા ઘાટ ખાલી કરાવવામાં આવ્યા છે. સાંજના સાડા છ વાગ્યા પછી જ સામાન્ય જનતા હર કી પૌડી પર સ્નાન કરી શકશે.
હરિદ્વાર કુંભમાં શાહી સ્નાનનો પ્રારંભ થઈ ગયો છે. પ્રથમ વખત કિન્નર અખાડાના સંત પણ શાહી સ્નાનમાં જોડાયા છે. આ વખતે સરકારે કોરોનાને કારણે કુંભના સમયને ચાર મહિનાથી ઘટાડીને એક મહિના કરી દેવામાં આવ્યો છે. સરકારનાં જાહેરનામા મુજબ કુંભ 1 એપ્રિલથી 30 એપ્રિલ એપ્રિલ સુધી જ રહેશે, પરંતુ અખાડાઓની પરંપરા મુજબ પહેલું શાહી સ્નાન મહાશિવરાત્રીના દિવસથી શરૂ થયું છે. શાહી સ્નાન પૂર્વે આખી રાત ભક્તોએ બ્રહ્મકુંડ, હર કી પૌડીમાં સ્નાન કર્યું. સવારની આરતી સાથે સામાન્ય નાગરિકોને અહીં સ્નાન કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. અહીં ફક્ત સાધુ-સંતોને જ સ્નાન કરવાની મંજૂરી આપવામાં આવશે, જ્યારે અન્ય ઘાટ સામાન્ય લોકો માટે ખુલ્લા રહેશે. જોકે પરંપરા મુજબ બ્રહ્મકુંડમાં જ શાહી સ્નાનનું સૌથી વધુ મહત્ત્વ હોવાનું કહેવાય છે.
શિવરાત્રિના દિવસે પ્રથમ શાહી સ્નાનમાં સૌપ્રથમ જૂના અખાડા ભાગ લેશે. જૂના અખાડાની સાથે તેના સાથી અખાડા આહ્વાન અગ્નિ અખાડા પણ શાહી સ્નાન કરશે. હરિદ્વાર કુંભમાં પ્રથમ વખત સામેલ થઈ રહેલા કિન્નર અખાડાને પણ આ વખતે જૂના અખાડા સાથે જ સ્નાન કરવાનો મોકો મળ્યો છે. આ પછી બીજા નંબર પર નિરંજની અને તેની સાથે આનંદ અખાડા શાહી સ્નાન કરવા જશે, ત્રીજા નંબર પર મહાનિર્વાણી અને અટલ અખાડા સ્નાન કરશે.
આગામી શાહી સ્નાન 12, 14 અને 27 એપ્રિલના રોજ થશે, તે શાહી સ્નાનમાં અખાડાઓનો ક્રમ બદલવામાં આવશે. નિરંજની અખાડા આગામી શાહી સ્નાનમાં પ્રથમ સ્નાન કરશે. અખાડા પરિષદની બેઠકમાં તમામ અખાડાઓ આ ક્રમ પર તૈયાર થયા છે અને દરેકને તેમના સ્નાન માટે અલગ સમય ફાળવવામાં આવ્યો છે.