દેશમાં આરોગ્ય માટે હાનિકારક કચરાનાં ઢગ સાથે સૌથી વધુ પ્રદૂષિત સાઇટ્સ ધરાવતા ટોચના 3 રાજ્યોમાં રાજધાની દિલ્હીનો પણ સમાવેશ થાય છે. સેન્ટ્રલ પોલ્યુશન ક્ધટ્રોલ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલો અહેવાલ દેશમાં ખડકાયેલા કચરાનાં ઢગ અને પ્રદૂષિત સ્થળો માટે ચોંકાવનારો છે. દેશભરમાં 112 સ્થળો એેવા છે કે જ્યાં ઝેરી અને હાનિકારક કચરાનાં ઢગ ખડકાયેલા જોવા મળે છે. દેશમાં 23 પ્રદૂષિત સાઇટ્સ સાથે ઓડિશા પ્રથમ ક્રમે છે જ્યારે 21 સાઇટ્સ સાથે ઉત્તરપ્રદેશ બીજા ક્રમે અને 11 સાઇટ્સ સાથે દિલ્હી ત્રીજા નંબરે છે.
દેશમાં સાત રાજ્યોની 14 પ્રદૂષિત સાઇટ્સને સ્વચ્છ બનાવવા અને ત્યાંથી કચરો હટાવવા કામગીરી શરૂ કરવામાં આવી છે. આ સાત રાજ્યોમાં ગુજરાત, ઝારખંડ, કેરળ, મહારાષ્ટ્ર, ઓડિશા, તામિલનાડુ અને ઉત્તરપ્રદેશનો સમાવેશ થાય છે. એનજીટીનાં આદેશ મુજબ આ સાઇટ્સ પરથી કચરાનાં ઢગ હટાવાઈ રહ્યા છે.
દિલ્હીમાં ભાલસ્વા, ગાઝીપુર, ઝિલમિલ ખાતેનો દ્યોગિક વિસ્તાર, વઝીરપુર, ન્યૂ ફ્રેન્ડ્ઝ કોલોની, દિલશાદ ગાર્ડન, લોરેન્સ રોડ જેવી સાઇટ્સ સૌથી વધુ પ્રદૂષિત છે. આ ઉપરાંત બીજી 12 સાઇટ્સ પ્રદૂષિત હોવાની સંભાવના ધરાવે છે.