આંધ્રપ્રદેશના કરનોલથી ગુજરાતના ઉંઝા ખાતે રવાના કરેલાં ટ્રકમાં રહેલાં 51.33 લાખની કિંમતનો અજમાનો જથ્થો જામનગર આવી ગયો અને આ ચોરાઉ જથ્થામાંથી આશરે 27 લાખની કિંમતનો અજમાનો જથ્થો વેંચાઇ ગયો હતો. જયારે બાકીનો જથ્થો ચોરાઉ હોવાની જાણ થતા આ જથ્થો માર્કેટીંગ યાર્ડ દ્વારા કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે.
આ અંગેની વિગત મુજબ આંધ્રપ્રદેશના કરનોલ સ્થિત એચ.જે.એન્ડ કંપની વેપારી પેઢી દ્વારા રૂા.51.33 લાખની કિંમતના 385 બાચંકામાં અજમાનો જથ્થો ટ્રક દ્વારા ગુજરાત રાજયના ઉંઝા ખાતે મોકલવા માટે રવાના કરવામાં આવ્યો હતો. દરમ્યાન ટ્રક ચાલક દ્વારા અજમાનો જથ્થો ઉંઝા પહોંચાડવાને બદલે જામનગર માર્કેટીંગ યાર્ડમાં લઇ આવ્યો હતો અને બુધવાર તથા ગુરૂવાર એમ બે દિવસ દરમ્યાન આ ચોરાઉ જથ્થા પૈકીનો 14 લાખ અને 12 લાખની કિંમતનો અજમાનો જથ્થો વેચી નાખ્યો હતો.
દરમ્યાન કરનોલના વેપારીને આ જથ્થો ચોરાયો હોવાની જાણ થતાં તેણે આંધ્રપ્રદેશના પોલીસ મથકમાં 51.33 લાખના અજમાના જથ્થાની ચોરીની ફરીયાદ નોંધાવી હતી. તેમજ આ અંગેની જાણ જામનગરના એક વેપારીને કરવામાં આવતાં વેપારી દ્વારા જાગૃતતા દાખવી આ અંગે જામનગર માર્કેટીંગ યાર્ડના સેક્રેટરીને જાણ કરી હતી. જેથી સેક્રેટરીએ આ અંગેની જાણ જામનગરના પોલીસ સ્ટેશનમાં કરી હતી. આ ચોરી અંગેની જાણ થતાં શુક્રવારે આ ચોરાઉ અજમા પૈકીનો અમુક જથ્થો વેચ્યો હતો જે સેક્રેટરી દ્વારા વેચાણ અટકાવી અને યાર્ડની કસ્ટડીમાં મૂકાવી આપ્યો હતો. તેમજ આ અંગે જાણ થતા આંધ્રપ્રદેશ કરનોલના વેપારી જામનગર આવવા માટે રવાના થઇ ગયા છે અને શનિવારે માર્કેટીંગ યાર્ડમાં જઇ આગળની કાર્યવાહી માટે સ્થાનિક પોલીસને સાથે રાખી ચોરાઉ માલ તથા ટ્રક ચાલકને ઝડપી લેવા માટે મદદ કરશે.
આંધ્રપ્રદેશથી ઉંઝા મોકલેલ અજમાનો જથ્થો જામનગરના માર્કેટીંગ યાર્ડમાં ટ્રક ચાલકે વેંચી માર્યો
આંધ્રપ્રદેશમાં પોલીસ ફરિયાદ નોંધાઇ: જામનગર યાર્ડના વેપારીને જાણ થતાં જાગૃતતા દાખવી: સ્થાનિક પોલીસમાં અને યાર્ડના સેક્રેટરીને જાણ કરી: 51.33લાખ પૈકીનો 26 લાખનો અજમાનો જથ્થો વેંચાઇ ગયો