અમેરિકન સરકાર દ્વારા ફંડ મેળવતા વિશ્વભરના દેશોમાં લોકશાહીની સ્થિતિ પર નજર રાખતા રિસર્ચ ગ્રૂપ ફ્રીડમ હાઉસ દ્વારા જારી કરાયેલા રેન્કિંગમાં 1997 પછી પહેલીવાર ભારતમાં લોકશાહીની સ્થિતિ કથળી હોવાનો દાવો કરાયો છે. ભારતને મુક્ત લોકતાંત્રિક દેશની કેટેગરીમાંથી આંશિક મુક્ત લોકતાંત્રિક દેશ જાહેર કરાયો છે. ફ્રીડમ હાઉસના રિપોર્ટમાં હાલમાં નાગરિક અધિકારોની બદતર સ્થિતિનો ઉલ્લેખ કરાતા ચેતવણી અપાઇ છે કે, ભારત એકહથ્થું શાસન તરફ ભયજનક રીતે આગળ વધી રહ્યો છે.
ફ્રીડમ ઇન ધ વર્લ્ડ રિપોર્ટ અનુસાર ભારતમાં મુસ્લિમ નાગરિકો સાથે પક્ષપાત, સરકારના ટીકાકારો અને પત્રકારોની હેરાનગતિના કારણે ભારતમાં લોકશાહી કથળી છે, નાગરિકોના અધિકારો અને સ્વતંત્રતાનો વિનાશ થઇ રહ્યો છે.
211 દેશો માટે જારી કરાયેલા આ રિપોર્ટમાં ભારત 83મા સ્થાનથી પીછેહઠ કરીને 88મા સ્થાને આવી ગયો છે. 2019માં ભારતને 100માંથી 71 પોઇન્ટ અપાયા હતા તેના સ્થાને આ વર્ષે ફક્ત 67 પોઇન્ટ અપાયા છે. ફ્રીડમ હાઉસે જણાવ્યું છે કે માનવ અધિકાર સંગઠનો, શિક્ષણવિદ્દો અને પત્રકારોની હેરાનગતિમાં વધારો થયો છે. ભારતની સ્થિતિ હાલ ઇક્વાડોર અને ડોમિનિક રિપબ્લિક જેવી થઇ ગઇ છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા આખું વર્ષ તેમના ટીકાકારો પર કાર્યવાહી જારી રહી હતી. કોરોના મહામારીમાં લોકડાઉનના ઉતાવળિયા નિર્ણયના કારણે કરોડો શ્રમિકો વિસ્થાપિત થયાં હતાં. કોરોના વાઇરસના પ્રસાર માટે મુસ્લિમોને બલિનો બકરો બનાવવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકાર અને શાસક પક્ષ ભારતને એકહથ્થુવાદ તરફ દોરી રહયા છે.
ભારતના 100માંથી કેટલા પોઇન્ટ:-
78, વર્ષ 2013થી 2015: 77, વર્ષ 2016થી 2017: 75, વર્ષ 2018 : 71,વર્ષ 2019: 67, વર્ષ 2020
ભારતમાં નાગરિકો રાજકીય અને અન્ય સંવેદનશીલ મુદ્દા પર મુક્ત અભિપ્રાય આપી શકતા નથી, માનવ અધિકાર સંગઠનો અને એનજીઓની સ્વતંત્રતા પર તરાપ, નાગરિકોની ફ્રીડમ ઓફ મૂવમેન્ટના અધિકાર પર તરાપ, ભારતીય કાશ્મીરને નોટ ફ્રી કેટેગરીમાં સમાવાયું, ભારતમાં ઇન્ટરનેટ સ્વતંત્રતામાં સતત ત્રીજા વર્ષે નાટકીય ઘટાડો, લઘુમતીઓ સાથે પક્ષપાત, સરકારના ટીકાકારો પર દેશદ્રોહના કેસો, માનવ અધિકારનાં હનને ભારતની છબી ખરડી.