વીમા કંપનીઓ આવનારા સમયમાં તેના ગ્રાહકને કોઈ પણ બીમારીનો દાવો (ક્લેઈમ) આપવાથી ઈન્કાર કરી શકશે નહીં. વીમા નિયંત્રક ઈરડા (ઈન્સ્યુરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી)એ વીમા કંપનીઓને સ્પષ્ટ જણાવી દીધું છે કે વીમા કંપનીઓ કોઈને પણ પોલિસી આપવાથી ઈન્કાર કરી શકે નહીં, ભલે પછી તે બીમારી જન્મજાત કેમ હોય નહીં. આઈઆરડીએના અધ્યક્ષ સુભાષચંદ્ર ખુંટિયાએ નેશનલ ઈન્સ્યોરેન્સ એકેડેમીના કાર્યક્રમમાં બોલતાં જણાવ્યું હતું કે, જો કોઈ વ્યક્તિને જન્મજાત બીમારી હોય કે એવી કોઈ બીમારી હોય જેના કારણે વીમા કંપની પોલિસી આપી રહી ન હોય તો કંપનીઓએ જે બીમારી વ્યક્તિના હાથમાં નથી તેના માટે તેને વીમા કવચથી વંચિત રાખવો જોઈએ નહીં. આઈઆરડીએએ કહ્યું કે, આ મામલામાં વીમા કંપનીઓને ધ્યાન આપવાની જરૂરત છે. વધુ ડેટા એનાલિસીસ કરીને પોલિસીધારકને વીમાથી દૂર રાખવા અયોગ્ય છે.
કાર્યક્રમમાં તેમણે વીમા કંપનીઓને પોતાની સેવાઓ સુધારવા માટે મૂલ્યવર્ધિત સેવાઓ શરૂ કરવાની પણ સલાહ આપી હતી. વીમાની સાથે મૂલ્યવર્ધિત સેવાઓ મળવાને કારણે ગ્રાહકોને વધુ સારી સુવિધાઓ મળી શકશે. તેનાથી વીમો ધરાવતી વ્યક્તિ કે ગ્રાહકનો અનુભવ પોલિસીની સાથે બહેતર બનશે.
હવેથી વીમા કંપનીઓને પોતાની વીમા પોલિસીની સાથે ગ્રાહકોને મૂલ્યવર્ધિત સેવાઓ પણ આપવી પડશે. તેનો અર્થ એ થયો કે કોઈ ડાયાબિટીસના દર્દીને ડાયેટ પ્લાન જેવી સેવાઓ મૂલ્યવર્ધિત સેવાઓમાં સમાવિષ્ટ થશે.