જામનગર જિલ્લા-તાલુકા પંચાયત તથા સીક્કા નગરપાલિકા ચૂંટણી આડે માત્ર બે દિવસ બાકી રહ્યા છે ત્યારે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. તો બીજી બાજુ આજ સાંજથી ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ પ્રચાર પડઘમ પર રોક લાગી જશે. અંતિમ તબકકામાં પહોંચેલી ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત જાળવવા તંત્ર એ કટિબદ્ધતા દર્શાવી છે.
તા.28 ફેબ્રુઆરીના રોજ જામનગર જિલ્લા-તાલુકા પંચાયત તેમજ સીક્કા અને જામજોધપુર નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન યોજાશે. જામનગર જિલ્લા પંચાયતમાં 24 બેઠકો માટે કુલ 82 ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે તાલુકા પંચયતમાં કુલ 112 બેઠકો માટે 333 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. જેમાં જામનગર તાલુકા માટે 26 બેઠક માટે 80 ઉમેદવારો, કાલાવડ તાલુકામાં 18 બેઠક માટે 58 ઉમેદવાર, લાલપુર તાલુકામાં 18 બેઠકો માટે 51 ઉમેદવારો, જામજોધપુર તાલુકામાં 18 બેઠકો માટે 63 ઉમેદવારો, ધ્રોલ તાલુકામાં 16 બેઠકો માટે 38 ઉમેદવારો, જોડિયા તાલુકામાં 16 બેઠકો માટે 43 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.
તેમજ સિક્કા નગરપાલિકામાં 7 વોર્ડની 28 બેઠક માટે કુલ 85 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. જામજોધપુર નગરપાલિકાના વોર્ડ નં.7 ની પેટા ચૂંટણીમાં પાંચ ઉમેદવારો ચૂંટણી જંગના મેદાનમાં રહ્યા છે. આજ સાંજથી ચૂંટણીના જાહેરનામા મુજબ પ્રચાર પ્રક્રિયા બંધ થઈ જશે. જાહેર સભાઓ તેમજ વાહનો દ્વારા થતી પ્રચાર પ્રક્રિયા ઉપર રોક લાગી જશે. ઉમેદવારો દ્વારા ખાનગી રાહે મતદારોને રીઝવવા પ્રયાસ કરાશે.
જામનગર જિલ્લા/તાલુકા પંચાયત ચૂંટણીમાં તા.28 ના રોજ જામનગર ગ્રામ્ય ખાતે 201 મતદાન મથકો, કાલાવડ તાલુકા ખાતે 135 મતદાન મથકો, લાલપુર તાલુકા ખાતે 125, જામજોધપુર ખાતે 113, ધ્રોલ ખાતે 66, જોડિયા ખાતે 65 મળી કુલ 705 મતદાન મથકોએ મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. 2,81,597 પુરૂષો, 2,61,462 સ્ત્રી મતદારો મતદાધિકારનો ઉપયોગ કરશે.
આજે સાંજથી પ્રચાર પડઘમ પર રોક લાગી જશે. હોર્ડિંગ, ડોર ટુ ડોર જનસંપર્ક, સમાજની મિટિંગો સહિતની પ્રચાર પ્રક્રિયાનો પંચના જાહેરનામા મુજબ આજે અંતિમ દિવસ છે. આજ સાંજથી આ પ્રચાર પડઘમ શાંત થઇ જશે અને હવે છેલ્લી કલાકોમાં ગુપ્ત મિટિંગો અને ખાટલા પરિષદોનો પડાવ શરૂ થશે. જિલ્લા વહીવટી તંત્રો અને પોલીસ વિભાગ દ્વારા કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પુરતી તકેદારી રાખવામાં આવી રહી છે અને ચૂંટણી પ્રક્રિયા નિર્ભિત અને શાંત વાતાવરણમાં પૂર્ણ કરવા તંત્ર કામે લાગી ચૂકયું છે.