જામનગર શહેરમાં જોડિયાભુંગા વિસ્તારમાં જૂના મનદુ:ખનો ખાર રાખી બે મહિલા સહિત પાંચ શખ્સોએ યુવાન ઉપર તલવાર અને લોખંડના પાઈપ વડે હુમલો કરી ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં આવેલા જોડિયાભુંગા હુશેની ચોક વિસ્તારમાં સબીર યુસુફ સાયચા નામના ડ્રાઈવિંગ કરતા યુવાન સાથે અબીનાબેન અને મોનીનાબેન સાથે અગાઉ થયેલા મનદુ:ખનો ખાર રાખી શુક્રવારે સાંજના સમયે સબીર સાયચા નામના યુવાન ઉપર અમીનાબેન, મોનીનાબેન, આમદ ચાવડા, ઈસાક તથા હુશેન આમદ ચાવડા નામના પાંચ શખ્સોએ એકસંપ કરી લોખંડના પાઈપ વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. તેમજ ઝપાઝપી દરમિયાન તલવાર વડે કપાળના ભાગે હુમલો કર્યો હતો. આ બનાવમાં તલવાર અને પાઈપ વડે હુમલો કરી ઈજા પહોંચાડી યુવાનને મારી નાખવાની ધમકી આપી હતી. હુમલામાં ઘવાયેલા સબીરને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં આ બનાવ અંગેની જાણ થતા પીએસઆઈ આર.એ. વાઢેર તથા સ્ટાફે હુમલાનો ભોગ બનનારના નિવેદનના આધારે બે મહિલા સહિત પાંચ શખ્સો વિરૂધ્ધ હુમલો કરી ધમકી આપ્યાનો ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.