જોડિયા તાલુકાના જસાપર ગામમાં રહેતી પિતરાઈ બહેનનું માંદગીના કારણે મૃત્યુ થતા આઘાતમાં યુવાન ભાઈએ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. જામનગર શહેરના વૃંદાવન પાર્કમાં રહેતા યુવાને ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. જામનગરમાં હાપા યાર્ડ પાસેના વિસ્તારમાં રહેતા વૃદ્ધે ઝેરી દવા પી આપઘાત કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી. જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા મહિલાનું હૃદયરોગનો હુમલો આવતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, પ્રથમ બનાવ જોડિયા તાલુકાના જસાપર ગામમાં રહેતા સાવન કાળીદાસ ટીલાવત (ઉ.વ.28) નામનો યુવાન અને તેના પિતરાઇ અરવિંદભાઈની પુત્રી તોરલ સાથે નાનપણથી જ ભાઈ-બહેનની જેમ રહેતા હતાં અને થોડા સમય અગાઉ તોરલનું માંદગીને કારણે મૃત્યુ થયું હતું. જેના આઘાતમાં રહેતા સાવનએ ગુરૂવારે રાત્રિના સમયે તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે નજીકની હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. આ અંગેની મૃતકના પિતા કાળીદાસભાઈ દ્વારા જાણ કરાતા હેકો એસ.આર. રાઠોડ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરમાં આવેલા વૃંદાવન પાર્ક 1 માં રહેતા મિલન રમેશભાઈ દોંગા (ઉ.વ.25) નામનો યુવાન તથા તેમના પરિવારજનો સામાજિક ચર્ચા અંગે ભેગા થયા હતાં અને આ ચર્ચા દરમિયાન મિલનનેે માઠુ લાગી આવતા શુક્રવારે મધ્યરાત્રિના સમયે તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે અહીંની ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ થતા હેકો એસ.એસ.દાતણિયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો બનાવ, જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પર આવેલા સરદાર પાર્ક 2 માં રહેતા રમેશ બાબુભાઈ અભંગી (ઉ.વ.60) નામના પટેલ વૃદ્ધ તેના ઘરેથી નિકળી જઈ હાપા યાર્ડ તરફ જવાના રસ્તે બાવળની ઝાડીઓમાં જઈ ઝેરી દવા પી લઇ આપઘાતનો પ્રયાસ કરતા બેશુધ્ધ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ થતા હેકો ડી.એમ. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી મૃતકના પુત્ર ઉદિતએ પોલીસે આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, રમેશભાઈને બ્લડપ્રેશર અને ડાયાબિટીસની બીમારી હતી અને તેની પૌત્રી ઘરની બહાર રમતી હતી તે બાબતે તેની પત્નીને ‘તમે દીકરીનું ધ્યાન નથી રાખતા’ તેવું કહ્યું હતું તેના જવાબમાં તેની પત્નીએ ‘દીકરી દરરોજ ત્યાં જ રમે છે’ તેમ જણાવતા મનમાં લાગી આવતા રમેશભાઈ ઘરેથી ચાલ્યા ગયા હતાં અને આપઘાત કર્યો હતો.
ચોથો બનાવ, જામનગર શહેરના નવાગામ ઘેડ મિલન સોસાયટીમાં આવેલા ગાયત્રી ચોક પાસે રહેતા હંસાબા અનોપસિંહ ઝાલા (ઉ.વ.47) નામના મહિલાને શુક્રવારે સવારના સમયે તેના ઘરે હૃદયરોગનો હુમલો આવતા બેશુધ્ધ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની ગીરીરાજસિંહ દ્વારા કરાયેલી જાણના આધારે એએસઆઈ કે.કે. નારિયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.