ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં દલિત છોકરીઓના મૃત્યુનો કેસથી અરેરાટી છવાઈ ગઈ છે. બુધવારે અસોહાના એક ખેતરમાંથી 3 દલિત સગીરાઓ સંદિગ્ધ હાલતમાં મળી આવી હતી. જેમાંથી બેના મૃત્યુ થયા છે. જ્યારે કાનપુરની રીજેંસી હોસ્પિટલમાં ત્રીજી સગીરાની સારવાર ચાલી રહી છે. આ ત્રણેય સગીરાઓ એક દુપટ્ટા વડે બાંધેલી હાલતમાં મળી આવી હતી. અને તેમના મોઢા માંથી ફીણ નીકળતા હતા.
બબુરહા ગામમાં રહેતા સંતોષ વર્માની દીકરી કોમલ (ઉ.વ.16), સુર્જુ પાલ વર્માની દીકરી કાજલ (ઉ.વ.13) અને સુરજ બલીની દીકરી રોશની (ઉ.વ.17) આ ત્રણે ગઈકાલના રોજ ખેતરમાં ઢોરનો ચારો લેવા માટે ગઈ હતી. અને સાંજ સુધી પરત ન ફરતા તેના માતાપિતાએ શોધખોળ હાથ ધરી હતી. જયારે પરિવારજનોએ સુર્જુપાલના ખેતરમાં જઈને જોયું તો ત્રણે સગીરાઓ એક દુપટ્ટા વડે બાંધેલી હતી. અને તેમના મોઢામાંથી ફીણ નીકળી રહ્યા હતા. જેથી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જેપૈકી બે ના મૃત્યુ નીપજ્યા છે. 17 વર્ષની યુવતીની સ્થિતિ ગંભીર હોવાનું સામે આવ્યું છે. જિલ્લાધિકારીએ જણાવ્યું કે આ ઘટના અંગે યોગ્ય તપાસ કરવામાં આવ્યા બાદ સમગ્ર હકિકત સામે આવશે. ઘટનાની જાણકારી મળતા જ પોલીસ અધિક્ષક સહિત અન્ય અધિકારીઓ પહોંચ્યા હતા.
આ તરફ જિગ્નેશ મેવાણીએ કહ્યું હતું કે, ‘ઉત્તર પ્રદેશના તમામ લોકોને હું વિનંતી કરૂં છું કે, જ્યાં સુધી ઉન્નાવ કાંડની પીડિત બહેનના ગુનેગારોની ધરપકડ ન થાય ત્યાં સુધી તેમની લાશનો સ્વીકાર ન કરો. ન્યાય માટે દબાણ બનાવી રાખો. એક બહેનની હોસ્પિટલમાં સારામાં સારી સારવાર કરાવવામાં આવે.’