ઇપીએફઓના 6 કરોડથી પણ વધારે સભ્યો માટે આગામી દિવસોમાં એક ખરાબ સમાચાર આવી શકે છે. સરકાર દ્વારા આ વર્ષના વ્યાજદરોમાં વધુ ઘટાડો થઇ શકે છે. અધિકારીઓનું કહેવું છે કે આનું કારણ કોરોના વાયરસના કારણે થયેલ વધારે પડતા ઉપાડ અને યોગદાનમાં ઘટાડો છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં વ્યાજદરમાં થયેલ ઘટાડાના કારણે પીએફમાંથી થતી આવક પર પણ બહુ અસર થઇ છે. જણાવી દઇએ કે ઇપીએફઓ પોતાનો મોટાભાગનો હિસ્સો સરકારી સીક્યોરીટીઝમાં રોકે છે. ગત વર્ષોમાં સરકારે નાણાકીય વર્ષ 2020 માટે 8.5 ટકા વ્યાજ આપવાનો નિર્ણય કર્યો હતો જે છેલ્લા સાત વર્ષોમાં સૌથી ઓછું હતું. 2019ના નાણાકીય વર્ષમાં આ દર 8.65 ટકા હતો. ચાલુ નાણાકીય વર્ષમાં ઇપીએફમાં અપાનાર વ્યાજનો દર ઇપીએફઓ સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીની 228મી મીટીંગમાં નક્કી થઇ શકે છે. આ મીટીંગ 4 માર્ચે થવાની શક્યતા છે.
પ્રોવીડંટ ફંડ અંગે એક ખરાબ સમાચાર બજેટ 2021માં પણ આવ્યા હતા, જેમાં પીએફમાં યોગદાન પર ટેક્ષ છૂટનો નિયમ બદલાયો છે. નવા નિયમમાં હાઇ ઇન્કમ બ્રેકેટવાળા લોકોને પીએફ પર મળતા વ્યાજની છૂટને ઓછી કરી નખાઇ છે. જો કોઇ વ્યકિતનું પીએફમાં વાર્ષિક યોગદાન 2.5 લાખથી વધારે હશે તો 2.5 લાખથી વધારાની રકમ પર તેને જે વ્યાજ મળશે તેના પર તેણે ટેક્ષ ચૂકવવો પડશે.