વિખ્યાત ટાઈમ મેગેઝિને ભારતમાં લોકશાહી બાબતે ચિંતા વ્યક્ત કરતો અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. ટાઈમના મત પ્રમાણે મોદી સરકારના શાસનમાં ભારતમાં લોકશાહીના ધોરણો કથળ્યા છે અને અમેરિકાએ એ મુદ્દે હસ્તક્ષેપ કરવો જોઈએ. ખેડૂતોનું આંદોલન ભારતની લોકશાહી માટે ટર્નિંગ પોઈન્ટ બની રહેશે એવો મત પણ અહેવાલમાં રજૂ થયો હતો.
ટાઈમના અહેવાલમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે અમેરિકા વિશ્વનો સૌથી જૂનો લોકશાહી દેશ છે. ભારતમાં વિશ્વની સૌથી વિશાળ લોકશાહી છે. આ બંને દેશો કેવી રીતે જોડાઈ રહેશે તે સવાલ વહેલા મોડો સર્જાશે. ભારત-અમેરિકા અત્યાર સુધી તેમના લોકશાહીના બોન્ડિંગના કારણે જોડાયેલા રહ્યા છે. એ કારણે બંને દેશો નેચરલ પાર્ટનર છે, પરંતુ જો ભારતમાં સ્થિતિ સતત આવી રહેશે તો બાઈડેન માટે મોદીના શાસનમાં લોકશાહીના ધોરણે મજબૂત રીતે જોડાઈ રહેવું કઠિન થઈ જશે.
મેગેઝિનની સ્ટોરીમાં કહેવાયું હતું કે જ્યારે બાઈડેને સત્તા સંભાળી અને વડાપ્રધાન મોદી સાથે વાત કરી ત્યારે તેમણે બંને દેશો કોમન બોન્ડથી જોડાયેલા છે તે વાત મોદીને યાદ કરાવવાની જરૂર હતી. જો બાઈડેન અમેરિકામાં સત્તા પર આવ્યા ત્યારે એવા વાયદા સાથે આવ્યા હતા કે ટ્રમ્પની સરકારમાં ઈન્સ્ટિટયૂશ્નલ ડેમોક્રેસીને અસર થઈ છે તેને જાળવી રાખશે. જો એ જ બાઈડેન ભારત જેવા સાથી દેશોમાં પણ એ વાતની ધ્યાન ન રાખે તો એ વિરોધાભાસ થયો ગણાશે.
ભારતમાં મોદીના સરકારમાં ભારતીય જનતા પાર્ટી અને તેમના સહયોગી સંગઠનો લઘુમતિ નાગરિકોને નિશાન બનાવતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠે છે. બહુમતિ સમુદાયના ઉદારવાદી નાગરિકોને પણ હેટસ્પીચનો સામનો કરવો પડી રહ્યો છે. વાણી સ્વાતંત્ર્યના ધોરણો પણ કથળ્યા છે. રાજકીય કેદીઓથી જેલો ઉભરાવા લાગી છે. દેશદ્રોહના ગુનાઓનું પ્રમાણ વધ્યું છે. આ તમામ બાબતો લોકશાહીના ધોરણો કથળ્યા હોવાની નિશાની છે એવું મેગેઝિનના અહેવાલમાં કહેવાયું હતું.
મેગેઝિને બાઈડેનને સલાહ આપતા કહ્યું હતું કે ટ્રમ્પની સરકારમાં ઘણી બાબતો પર મૌન સેવવામાં આવ્યું હતું, પરંતુ બાઈડેન આ પ્રકારનું મૌન ધારણ કરે તે પોષાય નહીં. બાઈડેને લોકશાહીના ઉચ્ચ અને ઉદાર ધોરણો માટે પ્રયાસો કરવા પડશે.