ગોધરાકાંડનો મુખ્ય આરોપી રફીક હુસેન ભટુક છેલ્લા 19 વર્ષથી ફરાર હતો.જેની પોલીસે ગોધરાથી ધરપકડ કરી છે. રફીક હુસેન ભટુક છેલ્લાં 19 વર્ષથી દિલ્લી સહિતના શહેરોમાં ચોકીદાર, મજૂર અને ફ્રુટનો ફેરિયો બનીને સંતાતો ફરતો હતો. જે ગોધરામાં તેના પરીવારજનોને મળવા આવતા પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.
થોડા દિવસ પહેલા ગોધરા આવેલો રફીક હુસેન ભટુક ઇમરાન મસ્જિદ પાસેના ઘરે આવીને છૂપાઇ રહ્યો હોવાની બાતમી મળતાં SOG અને પોલીસની ટીમે દરોડા પાડ્યા અને જ્યાંથી આરોપી ભટુકને દબોચી લેવાયો હતો. જે 19 વર્ષથી દિલ્લી સહિતનાં અન્ય શહેરોમાં છુપાઇને રહેતો હતો. પોલીસે તેની પાસેથી એક મોબાઇલ અને ચૂંટણીકાર્ડ કબ્જે લઈ ગુનાના અંગે વધુ કાર્યવાહી માટે ગોધરા ટાઉન બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે.
રફીક હુસૈન તે કોર ગ્રુપનો હિસ્સો હતો જેણે ગોધરાકાંડનું કાવતરું ઘડ્યું હતું. ગોધરાકાંડમાં ટ્રેનના કંપાર્ટમેન્ટને સળગાવવા માટે પેટ્રોલની વ્યવસ્થા કરવી, ભીડને ભડકાવવી અને આખા કાવતરાની બ્લૂપ્રિન્ટ બનાવવામાં રફીક હુસૈનનો મોટો હાથ હતો. ગુજરાતમાં 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરા રેલવે સ્ટેશન પર કારસેવકોથી ભરેલી ટ્રેનને સળગાવી દેવામાં આવી હતી. આ ઘટનામાં કુલ 59 કારસેવકોના મોત થઈ ચૂક્યા હતા. આરોપી દિલ્હીથી પોતાના પરિવારજનોને મળવા ગોધરા આવ્યો હતો ત્યારે તેની ધર્પકડા કરી લેવામાં આવી હતી.