સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. રાજકોટ મનપાની ચૂંટણીમાં આ વખતે આદ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે. રવિવારે રાજકોટમાં પ્રચાર માટે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સીસોદીયા આવ્યા હતા. પ્રેસ કોન્ફરન્સ સંબોધ્યા બાદ શહેરની ગ્રીનલેન્ડ ચોકડીથી બહુમાળી ભવન સુધી 22 કિમીનો તેમનો રોડ-શો યોજાયો. જેમાં મનિષ સીસોદીયા ખુલ્લી જીપમાં સવાર થયા હતા. આ રોડ-શોમાં આપના મોટી સંખ્યામાં કાર્યકરો બાઇક અને કાર સાથે જોડાયા હતા. જો કે, કાર્યકરો કોરોના મહામારીમાં દો ગજ કી દૂરી ભૂલ્યાં હતા. તેમજ મનિષ સીસોદીયા માસ્ક વગર જોવા મળ્યાં હતા. આપના લોક જુવાળથી મનિષ સીસોદીયાએ વટ પાડ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતા.પરંતુ કાર્યકરો અને નેતાઓ રેલી છોડીને ચાલ્યા જતા, ઉપમુખ્યમંત્રીએ રોડ-શો ટૂંકાવ્યો હતો અને રાજનગર ચોકથી જીપમાંથી ઉતરી કારમાં સર્કિટ હાઉસ પહોંચ્યા હતા.
રોડ શોમાં આપનો લોક જુવાળ જોવા મળ્યો હતો. લોકો આપનું નિશાન સાવરણા સાથે રોડ શોમાં ઉમટી પડ્યા હતા. જીપમાં સાવરણા ઉંચા કરી લોકોનું સમર્થન મળતા આપના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. લોકોએ મનિષ સિસોદીયાને ફૂલનો હાર પહેરાવી સ્વાગત કર્યુ હતું. બીજી તરફ મનિષ સીસોદીયાએ જીપમાં બે હાથ જોડી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. તેમજ લોકો મનિષ સીસોદીયા સાથે હાથ મીલાવવા પડાપડી કરતા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યાં હતા.
ખેડૂત આંદોલનની અસર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં થશે, ભાજપને માત્ર આપ જ હરાવી શકે કોંગ્રેસ નહીં, 25 વર્ષમાં ભાજપે કંઇ કર્યુ નથી એમ દિલ્હીના ડે.સીએમ સીસોદીયા એ જણાવ્યું હતું.
રોડ શોમાં ખુલ્લી જીપમાં સવાર મનિષ સીસોદીયા પર લોકોએ ગુલાબની પાંદડીનો વરસાદ કર્યો હતો. તેમજ આપના કાર્યકરોએ ભારત માતા કી જય, વંદે માતરમના નારા લગાવ્યા હતા. મનિષ સીસોદીયાનું લોકોએ ઠેર ઠેર ઉમળકાભેર સ્વાગત કર્યુ હતું. લોકોના પ્રતિસાદથી મનિષ સીસોદીયાના ચહેરા પર ખુશીની લાગણી જોવા મળી હતી.
મનિષ સીસોદીયાના રોડ શોમાં મોટી સંખ્યામાં સમર્થકો પણ માસ્ક વગર જોવા મળ્યાં હતા. મનિષ સીસોદીયાએ રોડ શો દરમિયાન જણાવ્યું હતું કે, ભવિષ્યમાં રાજકોટના મેયર પણ આમ આદમી પાર્ટીના હશે. જો કે, રોડ શોમાં આમ આદમી પાર્ટી દ્વારા સોશિયલ ડિસ્ટન્સનો ઉલાળ્યો થતો જોવા મળતા લોકોના મનમાં અનેક સવાલો ઉઠ્યા છે.
સામાન્ય રીતે કોઈ પણ પક્ષના નેતાનું આગમન થાય અને તેનો કાર્યક્રમ પૂર્ણ થયાના ઘણા દિવસો સુધી રાજકોટમાં જે-તે પક્ષના બેનરો લાગેલા હોય છે, પરંતુ આજે દિલ્હીના ડે.સીએમનો કાર્યક્રમ પૂર્ણ થયા પછી રાજકોટ મહાનગર પાલિકાનું તંત્ર એક્શન મોડમાં આવ્યું છે અને રૈયા રોડ પર લાગેલી આમ આદમી પાર્ટીની તમામ ઝંડીઓ મનપાના કર્મચારીઓ દ્વારા ઉતારવામાં આવી હતી.